વાવાઝોડાના બહાને ભ્રષ્ટાચારનો વંટોળ પાણી પુરવઠામાં વિજિલન્સની તપાસ

Contact News Publisher

ભુજ સ્થિત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે જૂન મહિનામાં બિપરજોય વાવાઝોડાની કુદરતી અાફતને તકમાં ફેરવી બિનજરૂરી સમય માટે જનરેટર ભાડે રાખી મોટું કાૈભાંડ અાચાર્યાની ફરિયાદ છેક ગાંધીનગર થતાં છેલ્લા અેકાદ અઠવાડિયા દરમિયાન ગાંધીનગરથી ખાસ તપાસ માટે વિઝિલન્સ ટીમ અાવી હતી અને તમામ દસ્તાવેજો કબજે લીધાના હેવાલ છે. જે બાબતે ખરાઈ કરવા અને વિશેષ વિગતો મેળવવા બોર્ડના સંબંધિત અધિકારીઅોને પૂછતા જનરેટર ભાડે રાખવા મુદ્દે વિઝિલન્સ ટીમે તપાસ કર્યાનું કબૂલ્યું હતું.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવવા અને સંભાળવાનું કામ કરવામાં અાવે છે. જૂન મહિનામાં ગુજરાતના અરબી સમુદ્રમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડું બિપરજોય ત્રાટક્યું હતું અને અેમાંય કચ્છ જિલ્લાની દરિયાઈ પટ્ટીના જખો નજીક પ્રતિકલાકે 150થી 200 કિ.મી.ની પવનની ગતિઅે લેન્ડફોલ થવાનું હતું, જેથી તમામ સરકારી તંત્રો જનજીવન ખોરવાઈ ન જાય અે માટેની કાર્યવાહીમાં ખડે પગે તૈનાત કરી દેવાયા હતા, જેમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય અેની તકેદારી સંભાળી હતી.

જે માટે 10થી 15 પમ્પિંગ સ્ટેશનો ઉપર પાણી વિતરણ વ્યવસ્થા ન ખોરવાય અેટલે જનરેટર ભાડે રાખ્યા હતા, જેમાં 3 દિવસ જ વીજ વિક્ષેપ હતો તોય 10થી 15 દિવસ સુધી ભાડે રખાયેલા જનરેટરનો ઉપયોગ બતાવાયો હતો, જે અંગે ફરિયાદ કરાતા ગાંધીનગરથી વિજીલન્સ ટીમ ધસી અાવી હતી અને કચેરીમાં જરૂરી દસ્તાવેજો સીલ કરી કબજે લીધા હતા.

તમે સાહેબોને પૂછી લેજો | ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર, યાંત્રિક વિભાગ

યાંત્રિક વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ભૂમિ રાવલ કાર્યપાલક ઈજનેરના ચાર્જમાં છે. તેમના વિભાગમાં જ તપાસ અાવી હતી, જેથી તેમને પૂછતા તેમણે બોર્ડમાં ખબર, તમે સાહેબોને પૂછી જુઓ તેવું કહ્યું હતું.

હા, ટીમ અાવી હતી : મુખ્ય ઈજનેર

ઈનચાર્જ મુખ્ય ઈજનેર પંકજ નાગરનો સંપર્ક સાધતા તેમણે વિશેષ વિગતોનો ઇન્કાર કરી વિજીલન્સની તપાસ આવી હતી, તે સ્વીકાર્યું હતું.

50 કે.વી.ના જોડાણ અને 200 કે.વી.ના જનરેટર રાખ્યા
સૂત્રોઅે જણાવ્યું હતું કે, 3 દિવસ વીજ વિક્ષેપ અને 10થી15 દિવસ જનરેટર ભાડે રાખી ઉપયોગમાં લેવાયાના બિલ બન્યા હતા. અેટલું જ નહીં પણ 50 કે.વી.ના જોડાણ હોય ત્યાં પણ 200 કે.વી.ના જનરેટર ભાડે રાખ્યાનો આક્ષેપ છે.