વિશ્વનું પ્રથમ એવું હિન્દુ મંદિર, જ્યાં જમીન મુસ્લિમની, આર્કિટેક્ટ ઇસાઇ, પ્રોજેક્ટ મેનેજર શિખ તો…!

Contact News Publisher

14 ફેબ્રુઆરીના રોજ PM નરેન્દ્ર મોદીએ UAEની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. BAPS સંસ્થાએ આ મંદિરનું નિર્માણ કર્યું છે. પીએમ મોદીએ આ વિશાળ મંદિરના ઉદ્ઘાટન બાદ UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનો આભાર માન્યો હતો. આ મંદિર 27 એકર જમીનમાં બનેલું છે. તેમાંથી 13.5 એકર જમીન મંદિર માટે છે. 13.5 એકરનો વિસ્તાર પાર્કિંગ માટે છે, જેમાં 14,000 કાર અને 50 બસો પાર્ક કરી શકાય છે.

આ મંદિર હિંદુ ધર્મનું છે પરંતુ દરેક ધર્મનું યોગદાન જોવા મળશે
UAE એટલે કે સંયુક્ત આરબ અમીરાતના પ્રથમ હિન્દુ મંદિરના દરવાજા હવે ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં ભવ્ય મંદિરને વાસ્તવિકતા બનાવવા બદલ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ ઝાયેદ અલ નાહયાનનો આભાર માનતા કહ્યું હતું કે ખાડી દેશોમાં રહેતા ભારતીયોની સાથે એમને 140 કરોડ ભારતીયોના દિલ પણ જીતી લીધા છે. 700 કરોડના ખર્ચે બનેલા આ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનને UAEમાં હિન્દુ સમુદાય માટે એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે જોવામાં આવી રહ્યું છે. ભલે આ મંદિર હિન્દુ ધર્મનું છે, પરંતુ તેમાં દરેક ધર્મનું યોગદાન જોવા મળે છે – પછી તે મુસ્લિમ ધર્મ હોય, જૈન હોય કે બૌદ્ધ ધર્મ.

મુસ્લિમ રાજાએ જમીન આપી
આ હિન્દુ મંદિર સર્વધર્મસમભાવની ભાવના શીખવી રહ્યું છે. કારણ કે એક મુસ્લિમ રાજાએ હિંદુ મંદિર માટે જમીન દાનમાં આપી. આ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ કેથોલિક ખ્રિસ્તી છે, પ્રોજેક્ટ મેનેજર શીખ છે, ફાઉન્ડેશનલ ડિઝાઇનર બૌદ્ધ છે, બાંધકામ કંપની પારસી જૂથ છે અને ડિરેક્ટર જૈન ધર્મના છે.

આ મંદિર અબુ ધાબી શહેરથી લગભગ પચાસ કિમી દૂર છે, જેની ઊંચાઈ 32.92 મીટર, લંબાઈ 79.86 મીટર અને પહોળાઈ 54.86 મીટર છે. મંદિરના બહારના ભાગમાં 96 ઘંટ સ્થાપિત કરવામાં આવ્યા છે અને મંદિરમાં સાત શિખરો છે. મંદિરના બાંધકામમાં મોટાભાગે જે પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ભારતથી મોકલવામાં આવ્યા છે.