રાજસ્થાનમાં ભયંકર અકસ્માત, પાંચ ગુજરાતીના મોત: પૂરઝડપે દોડતી સ્કોર્પિયો ટ્રકમાં ઘૂસી, માંડવીના ડૉક્ટર દંપતી અને પુત્રી સહિત 5એ ઘટના સ્થળે દમ તોડ્યો

Contact News Publisher

રાજસ્થાનના બિકાનેરમાં પૂરપાટઝડપે દોડતી સ્કોર્પિયો આગળ જતી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેથી અકસ્માત થતાં ડૉક્ટર દંપતી, તેમની દોઢ વર્ષની પુત્રી સહિત બે પરિવારના પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. નોખા વિસ્તારના રાસીસર ગામ પાસે ભારતમાલા રોડ પર શુક્રવારે સવારે 5 વાગ્યે આ અકસ્માત થયો હતો. પાંચેય મૃતકો ગુજરાતના રહેવાસી હતા.

લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા
અકસ્માત બાદ પોલીસ અધિક્ષક તેજસ્વની ગૌતમ અને અધિક પોલીસ અધિક્ષક ડો.પ્યારેલાલ શિવરન ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના આ બંને પરિવારો શ્રીગંગાનગરથી લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.

સમગ્ર કચ્છમાં અરેરાતી વ્યાપી
કચ્છ માંડવીના તબીબ દંપતી સહિત પાંચ વ્યક્તિઓનું આજે રાજસ્થાનના નોખા ગામ નજીક માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયાની ઘટના સામે આવી છે. બનાવના પગલે સમગ્ર કચ્છમાં અરેરાતી વ્યાપી છે.

ટ્રકના પાછળના ભાગમાં કાર ધડાકાભેર ઘૂસી ગઈ
અકસ્માતની ઘટના અંગે રાજસ્થાનના નોખા પોલીસ થાણાના એ.એસ.આઇ શંભુસિંહ રાઠોડ સાથે વાત કરતા તેમણે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આજે સવારે પાંચ વાગ્યે રાજસ્થાનના ગંગાનગરથી ગુજરાત તરફ જતી સ્કોર્પિયો કાર આગળ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેથી કારમાં સવાર ડૉ. પ્રતીક ચાવડા, તેમના પત્ની ડો હેતલ પ્રતીક ચાવડા, તેમની 2 વર્ષીય પુત્રી નાઈસા, કરણ ક્રિષ્ના કાસ્તા, તેમના પત્ની પૂજાબેન કરણ કાસ્તાનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત થયું છે. બનાવની ગંભીરતાને લઈ બિકાનેર એસપી તેજસ્વીની ગૌતમ અને નાયબ એસપી પ્યાટેલાલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હતભાગીના મૃતદેહોને હાલ પોસ્ટમોર્ટમ માટે નોખા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

Exclusive News