કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટણી લડ્યા ત્યાં રેકોર્ડબ્રેક મતદાન, ચૈતર વસાવાના વિસ્તારમાં વોટિંગ 83%ને પાર

Contact News Publisher

આ વખતે લોકસભાની ચૂંટણી ત્રણ પ્રકારના નેતાઓ લડ્યા.

1- જેઓ સાંસદ હતા અને પક્ષે રિપીટ કર્યા. 2- જેઓ હાલ ધારાસભ્ય છે અને લોકસભાના સાંસદ બન્યા છે. 3- જેમણે પહેલીવાર ટિકિટ મળી અને ચૂંટણી લડ્યા.

ઉપરના ત્રણ પ્રકારના ઉમેદવારોમાંથી ચૂંટણીરૂપી કસોટી કોઈ પણ માટે સરળ નથી. ચિંતા અલગ-અલગ પ્રકારની છે. જેમ કે કોઈને હારી જવાનો ડર છે, કોઈને ડિપોઝિટ જપ્ત થઈ જાય તેની પણ ચિંતા હશે તો કોઈ દિગ્ગજ નેતાને જીત ભલે નિશ્ચિત લાગતી હોય પણ ઓછી લીડ મળવાનો ડર હશે. લોકસભાની ચૂંટણીનું પરિણામ તો 4 જૂનના રોજ આવશે. પરંતુ મતદાનના આંકડાની જે પેટર્ન જોવા મળી તે ઘણું કહી જાય છે.

2022ની વિધાનસભા ચૂંટણીમાં જીત મળી હોય એવા 7 ધારાસભ્યોને તેમના પક્ષે લોકસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે. જેમાં 5 ધારાસભ્ય કોંગ્રેસના છે જ્યારે 2 ધારાસભ્ય આમ આદમી પાર્ટીના છે. ભાજપે એક પણ ધારાસભ્યને આ વખતે લોકસભાની ટિકિટ આપી નથી.

ગુજરાત જ નહીં દેશભરમાં કોંગ્રેસ નબળી પડી હોવા પાછળ સૌથી મજબૂત કારણ ગણાતું હોય તો એ છે ગ્રાઉન્ડ લેવલની નિષ્ક્રિયતા. પરંતુ વલસાડ, સાબરકાંઠા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ આ પાંચ સીટ પર ધારાસભ્યોને લડાવ્યા. ત્યારે કોંગ્રેસના કાર્યકરો ચાર્જ થઈ ગયા હોય એમ લાગી રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્ય ભરૂચ વસાવા અને ઉમેશ મકવાણા અનુક્રમે ભરૂચ અને ભાવનગરની ચૂંટણી લડ્યા. 16 મહિનામાં ફરી પ્રચાર માટે ઊતરેલા આ નેતાઓએ લોકસભાની ચૂંટણીમાં પણ દમખમથી શહેર અને ગ્રામ્ય વિસ્તાર ખુંદ્યા. બીજી તરફ ભાજપની વ્યૂહરચના, બૂથ પ્રમાણે મેનેજમેન્ટ, 5 લાખની લીડનો ટાર્ગેટ પણ અસરકારક રહ્યું હોઈ શકે.

ગુજરાતની કુલ 26 બેઠકોમાં સુરતના હાઇપ્રોફાઇલ પોલિટિકલ ડ્રામાને બાદ કરતા સૌથી રોચક રાજકીય મુકાબલો બનાસકાંઠામાં રહ્યો છે. છેલ્લી ઘડી સુધી બનાસકાંઠાના અલગ-અલગ ઘટનાક્રમે આખા રાજ્યની પ્રજાનું ધ્યાન ખેંચ્યું છે.

બનાસકાંઠામાં સવારે 9 વાગ્યા સુધીમાં 12.28 ટકા મતદાન થયું હતું. જે ગુજરાતની બાકીની 24 સીટો કરતાં વધુ હતું. દર બે કલાકે જાહેર થતાં મતદાનના આંકડામાં વધારો થતો ગયો. સાંજે 6 વાગ્યા બાદ મળેલા મતદાનના આંકડા મુજબ બનાસકાંઠામાં કુલ મતદાન 64.5 ટકાની આસપાસ રહ્યું. બનાસકાંઠા લોકસભામાં કુલ સાત વિધાનસભા વિસ્તાર આવે છે. જેમાં સૌથી વધુ મતદાન દાંતામાં 68 ટકા જેટલું થયું. જ્યારે બીજા ક્રમે વાવમાં 65 ટકા કરતાં વધુ મતદાન થયું છે. ગેનીબેન ઠાકોર વાવથી જ ધારાસભ્ય છે.