મતદાન દરમિયાન કોંગ્રેસ એલર્ટ મોડમાં રહી:લીગલ વિભાગમાં આખો દિવસ ફરિયાદોનો સિલસિલો, કોંગ્રેસને 8થી 10 બેઠક પર વિજય થવાની આશા

Contact News Publisher

7 મેને મંગળવારે મતદાનના દિવસે એલીસબ્રીજ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે આવેલી ગુજરાત કોંગ્રેસની ઓફીસમાં સવાર પડતાંની સાથે જ ચહલ પહલ શરૂ થઇ ગઇ હતી. સવારે 7-30 વાગ્યાની આસપાસ કોંગ્રેસના કાર્યાલય મંત્રી અતુલભાઇ સહિત ઇલેકશન કો-ઓર્ડીનેટર બાલુભાઇ પટેલ સહિતનો સ્ટાફ આવી ગયો હતો. કોન્ફરન્સ રૂમમાં જ શરૂ કરાયેલા લીગલ વિભાગનો કંટ્રોલ રૂમ તેમ જ સોશિયલ મિડિયા વોરરૂમમાં કામગીરી મંદ ગતિએ ચાલી રહી હતી. એક પછી એક હોદ્દેદારના આગમન બાદ આ બંને વિભાગો સવારે 9 વાગતાંની સાથે જ શરૂ થઇ ગયા હતા. તેમાંય બપોર સુધીમાં તો કોંગ્રેસનો મિડિયા રૂમ પણ જોડાયો હતો.

કોંગ્રેસના નેતાઓની પણ અવરજવર ચાલુ થઇ ગઇ હતી. ત્રણેય વિભાગોમાં ફોનની ઘંટડીઓ રણકતી હતી. ફોન પૂરા થતાં જ એક પછી એક વિભાગોમાં કામો ચાલુ થઇ ગયા હતા. આમ એકબીજા વિભાગો વચ્ચે સંકલન ચાલી રહ્યું હતું. બપોરે 4 વાગ્યાની આસપાસ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ભેગા થઇને ઉમેદવારો સાથે ફોન પર વાતચીત કરીને જે તે મતવિસ્તારનો માહોલ, મતદાનની ટકાવારીથી માંડીને કેવી સ્થિતિ હતી તેની ચર્ચા કરીને વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસે 8થી 10 બેઠકો પર જીતનો દાવો કર્યો છે.

કોંગ્રેસના દરેક વિભાગો વચ્ચે જોરદાર સંકલન ચાલતું હતું
ગુજરાતમાં આજે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી મતદાનની કામગીરી શરૂ થઇ ગઇ હતી. જયારે દિવ્ય ભાસ્કર ગુજરાત કોંગ્રેસ ઓફીસે 7-30 વાગ્યાની આસપાસ પહોંચ્યું ત્યારે કોંગ્રેસ કાર્યાલય મંત્રી અતુલભાઇ સહિતનો સ્ટાફ હાજર હતો. ઉપરાંત ચૂંટણી દરમિયાન ઉઠનારી ફરીયાદો અંગે ઇલેકશન કમિશનનું ધ્યાન દોરવા તેમ જ ફરિયાદ કરવા માટે ઇલેકશન વિભાગનો કંટ્રોલ રૂમ કોંગ્રેસના કોન્ફરન્સ રૂમમાં શરૂ કરવામાં આવ્યો હતો. જયાં ઇલેકશન કો- ઓર્ડીનેશન કમિટીના ચેરમેન બાલુભાઇ પટેલ હાજર હતા.
આ ફરિયાદોને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ગુજરાત ટવીટર પેજ પર મૂકવા તેમ જ સોશિયલ મીડિયામાં મૂકવા માટે વોર રૂમ ઊભો કરવામાં આવ્યો હતો. આ રૂમમાં ગુજરાત સ્ટેટ સોશિયલ મીડિયા અને ડીજીટલ પ્લેટફોર્મના ચેરમેન ભૂમણ ભટ્ટ તેમ જ પ્રદેશ કો-ઓર્ડીનેટરો કૃતાર્થ દવે અને નવનીત જૈન સહિતનો સ્ટાફ એક પછી એક આવી રહ્યો હતો. સવારે 9 વાગ્યા બાદ તો લીગલ વિભાગના ચેરમેન હાઇકોર્ટના સિનિયર એડવોકેટ યોગેશ રવાણી તથા લીગલ સેલના કન્વીનર નિકુંજ બલર ઉપરાંત હાઇકોર્ટના સીનીયર એડવોકેટ પંકજ ચાંપાનેરી સહિતના 20 જેટલાં વકીલો તબક્કાવાર આવતા ગયા હતા. દરમિયાનમાં 11-30 વાગ્યાની આસપાસ મીડિયા કન્વીનર અને પ્રવકતા ડો. મનીષ દોશી પણ આવી પહોંચ્યા હતા.