હે કુદરત! આગાહીના આગળના દિવસથી જ ગુજરાતના આ જિલ્લામાં પડ્યો વરસાદ, 3 દિવસ ખેડૂતો માટે ‘ભારે’!

Contact News Publisher

કમોસમી વરસાદની આગાહી વચ્ચે મુસીબતના માવઠાનું ગુજરાતમાં આગમન થઈ ગયુ છે. ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે. આહવા તાલુકાના ધવલીદોડ અને શિવારીમાળ નજીક વરસાદ વરસ્યો છે. અત્રે જણાવીએ કે, હવામાન વિભાગે 1થી 3 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે.

ડાંગમાં મુસીબતનો વરસાદ
આહવા તાલુકાના ગારખડી નજીક વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ શિયાળું પાક તૈયાર થઈ ગયો છે ત્યારે વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. કમોસમી મુસબીત ભર્યા વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે.

સાવચેતી પગલા
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોયતો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી,અથવા પ્લાસ્ટિક /તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.

કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં હજુ ગરમી શરૂ થાય તે પહેલાં રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ તરફ હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. તારીખ 1થી 2 માર્ચના દિવસ હળવા વરસાદ સાથે ભારે પવન રહશે. જેમાં 1 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઇ છે.

2 માર્ચના રોજ પાટણ, બનાસકાંઠા, અરવલ્લી મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ, કચ્છમાં વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી કરવામાં આવી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.