દ્વારકા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી, ખેડૂતો ચિંતત, પાકને નુકસાનની ભીતિ

Contact News Publisher

હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોમસી વરસાદ શરૂ થયો છે. વાત જાણે એમ છે કે, રાજ્યના હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આ તરફ આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદ નોંધાયો તો સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. આ બધાની વચ્ચે હવે મિશ્ર ઋતુ દરમિયાન કમોમસી માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થતા સૌથી વધુ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી જીરું,રાયડો, બટાટા, એરંડા અને ઘઉં સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે, આ તરફ હવે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોને પાકોમાં નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને ધાનેરા, ડીસા, પાલનપુર, ભીલડી, દિયોદર, ભાભર, કાંકરેજ, થરાદ, સૂઇગામ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આ તરફ વરસાદને કારણે રાયડો, જીરું, વરિયાળી, બટાકા, ઘઉં સહિતના પાકમાં નુકસાનની ભીતિ બની છે. આ સાથે આકાશમાં કાળા વાદળો અને વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વરસાદની શરૂઆતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

મહેસાણા પણ કમોમસી વરસાદનું આગમન
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઊંઝામાં વહેલી સવારથી વરસાદી છાંટા વરસતા ખેતીમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. વરસાદી માહોલથી જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. આ સાથે મહેસાણા શહેરના પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.