મુખ્યમંત્રીની ટકોર છતાં કેમ ખોદાય છે નવા રોડ? સવા કરોડના ખર્ચે બનાવેલા રોડનું સાત જ દિવસમાં પોસ્ટમૉર્ટમ

Contact News Publisher

વડોદરા મહાનગરપાલિકાનો વધુ એક અણધડ વહીવટ સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, અહીં મુખ્યમંત્રીની સૂચનાને અવગણી કોર્પોરેશને 7 દિવસ અગાઉ બનેલા રોડને ખોદી નાખતાં વિવાદ થયો છે. થોડા દિવસ પહેલા જ કરોડોના ખર્ચે બનેલા રોડને ખોદવાની ઘટના બાદ ફરી શહેરના ડીલક્ષ ચાર રસ્તાથી નવાયાર્ડ જવા માટે 1 કરોડ અને 25 લાખના ખર્ચે બનેલા રોડને માત્ર 7 દિવસમાં જ ખોદી નાખવામાં આવ્યો છે.

વડોદરા મહાનગરપાલિકા માટે પ્રજાના પૈસાનો ધૂમાડો કરવો કોઈ મોટી વાત નથી. શહેરના ડીલક્ષ ચાર રસ્તાથી નવાયાર્ડ જવા માટે 1 કરોડ અને 25 લાખના ખર્ચે બનેલા રોડને માત્ર 7 દિવસમાં જ ખોદી નાખવામાં આવ્યો છે. એટલું જ નહીં અહીં ભાજપ કોંગ્રેસ બંનેની મિલિભગત જોવા મળી હોવાની સ્થિતિ બની છે. કારણ કે અહીં આવેલી સનદીપ હોસ્પિટલના સંચાલકની રજૂઆત આધારે કોંગ્રેસના કોર્પોરેટર જહાં ભરવાડે કોર્પોરેશનમાં રજૂઆત કરી અને કોન્ટ્રાક્ટરે કોર્પોરેટર અને અધિકારીની સૂચનાથી વરસાદી ગટર નાખવા રોડ ખોદી નાખ્યો જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે.

મહત્વનું છે કે, ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહી ચૂક્યા છે કે, રોડ બનાવ્યા પહેલા ખોદકામના જે કોઈપણ કામ હોય તે પૂરા કરી લેવા, પછી રોડ ન ખોદવો. પરંતુ વડોદરાના સત્તાધિશો કોઈપણ નેતાની સૂચનામાં માનતા નથી. જ્યારે અમે વાત કરી તો સાંભળો કોર્પોરેટર અને સિટી એન્જિનિયર કહે છે ખોદકામની મંજૂરી જ નહોતી આપી, તેથી હવે તપાસ કરીશું. તો કોર્પોરેટર હજૂ કામગીરી પુરી ન થયાનું રટણ રટી રહ્યા છે. એટલે કે માનીતાઓને ફાયદો કરાવવા માટે વડોદરામાં પ્રજાના ટેક્સના રૂપિયાનો બેફામ રીતે ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે, આવી રીતે થતાં ખોદકામ પર ક્યારે અંકુશ આવે છે અને ક્યારે વિકાસના પથ ખોદવાનું બંધ થાય છે.