આધાર કાર્ડ લિંક નથી! તો હવે અનાજ નહીં મળે, કહ્યું ‘નવા ફતવાથી લાભાર્થીઓને નુકસાન’

Contact News Publisher

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 1.38 લાખ રેશનકાર્ડ ધારકોને અનાજ મળતુ બંધ થતા કફોડી સ્થિતીમાં મુકાયા છે. આ લાભાર્થી પરિવારોના રેશનકાર્ડ પુરવઠા વિભાગ દ્વારા રદ કરી દેવામાં આવ્યા છે. આધારકાર્ડ સાથે તેમનું રેશનકાર્ડ લીંક ન હોવાથી તંત્ર દ્વારા તેમને અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યુ છે. જેને લઇને ગરીબ પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગરીબ પરિવારોને અનાજ નહી મળતા ભુખ્યા રહેવાનો વારો આવ્યો છે. સસ્તા અનાજના દુકાનદારો અને સંચાલક મંડળ દ્વારા લાભાર્થીઓ અનાજથી વંચિત ન રહે તે માટે લીંક કરાવવા એક મહિનાનો સમય આપવાની માંગણી કરવામાં આવી છે. લાભાર્થીઓને અનાજ નહી મળતા ભુખ્યા રહેવાનો વારો આવ્યો છે. અન્ન સુરક્ષા કાયદામાં આવી કોઇ જોગવાઇ નહી હોવા છતાં રેશનકાર્ડ રદ કરી અનાજ બંધ કરી દેવામાં આવતા લાભાર્થીઓ પણ રોષે ભરાયા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આધાર કાર્ડ લિંક ન હોય તેવા પરિવારનું અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં 1 લાખ 38 હજારથી વધુ રેશનકાર્ડ રદ્દ થઈ જતા લોકોમાં રોષ ફેલાયો છે. રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારિકા, ભાવનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને બોટાદ સહિતના જિલ્લામાં અસર જોવા મળી છે. આધાર કાર્ડનું જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને અનાજ નથી મળી રહ્યુ. સસ્તા અનાજના દુકાનદારો દ્વારા લાભાર્થીઓને અનાજ ફરી ચાલુ કરવામાં આવે તે માટે રદ કરાયેલા કાર્ડ ફરી શરુ કરવા રજુઆત કરવામાં આવી છે.

આ મામલે સસ્તા અનાજ વેપારી મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યુ હતુ કે નવા ફતવાથી લાભાર્થીઓને નુકસાન થઇ રહ્યુ છે. કાર્ડમાં ત્રણ વ્યક્તિના નામ હોય અને તેમાં એક જ વ્યક્તિનું આધાર મેપિંગ બાકી હોય તો પણ તંત્ર દ્વારા આખુ રેશનકાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યુ છે. જેથી આખો લાભાર્થી પરિવાર અનાજથી વંચિત રહે છે. અન્ન સુરક્ષાના કાયદામાં કોઇ એવી જોગવાઇ નથી કે વ્યક્તિ આધાર કાર્ડ ધરાવતો હશે તો તેને અનાજ આપવામાં આવશે. તેમ છતાં તંત્ર દ્વારા મનસ્વી નિર્ણય કરવામાં આવ્યો છે. ચુંટણીનો સમય આવ્યો છે ત્યારે સરકારે પણ રહેમરાહ રાખવી જોઇએ. દરેક લાભાર્થીને એક મહિનાનો સમય આપવો જોઇએ જેથી આધારકાર્ડ સાથે રેશનકાર્ડ લીંક કરી શકે. 28 ફેબ્રુઆરી સુધી આવા કાર્ડ ચાલુ હતા પરંતુ 29 માર્ચથી સદંતર રદ કરી દેવામાં આવ્યા છે.