ગોધરામાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યા પેપર લીક અને ખેડૂતોના મુદ્દા, કર્યા બે મોટા એલાન, લોકસભામાં પડશે અસર

Contact News Publisher

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે. ગઈકાલે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતના ઝાલોદમાં ભારત જોડો ન્યાય યાત્રા પ્રવેશી હતી. આજે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી રાહુલ ગાંધી પદયાત્રા યોજાઇ હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ દાહોદ બસ સ્ટેન્ડથી લાલ જીપમાં બેસી રોડશો યોજ્યો હતો. રાહુલ ગાંધીની આ યાત્રા પંચમહાલના ગોધરામાં પણ પહોંચી હતી. જ્યાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધી હતી.

ગોધરામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા
ગોધરામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી હતી. મુફ્તી આછોદી માર્ગ પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં જ્યાં રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધી પણ હતી. તેમણે કહ્યું કે, હિન્દુસ્તાન નફરતનો દેશ નથી. ભારતમાં યુવાનોને રોજગાર આપવામાં આવતો નથી. નાના દુકાનદારો અત્યારે પાયમાલ થઈ રહ્યા છે. દરેક સેક્ટરમાં અત્યારે માત્ર અદાણી જ જોવા મળે છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, નાના વેપારી પાસે જતા રૂપિયા અત્યારે અદાણી પાસે થઈ રહ્યા છે. અત્યારે હથિયાર પણ અદાણીની કંપની બનાવી રહી છે.

‘કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં 30 લાખ ખાલી જગ્યા ભરવામાં આવશે’
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશમાં એવો કોઈ યુવાન નથી જેને અગ્નીવિર યોજના સારી લાગતી હોય. દેશના સૈનિકોને પણ અગ્નિવિર યોજના યોગ્ય લાગતી નથી. યુવાનોને રોજગારીના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં યુવાનોને રોજગારી આપવાનો કોંગ્રેસે ગેરંટી આપી અને કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં 30 લાખ ખાલી જગ્યા ભરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, પરીક્ષા તો લેવાય છે પણ પેપર ફૂટી જાય છે. પેપર લીક ન થાય તે માટે અલગ કાનૂન લાવીશું. અમારી સરકાર બનશે તો પેપર લીક થતા રોકવામાં આવશે. જો કોઈ પેપર લીક કરશે તો કડક કાર્યવાહી કરીશું. સરકારી એજન્સી પાસે જ પેપર છાપવાની છૂટ આપીશું.