વિપક્ષને મળેલું દાન પણ વસૂલી? રાહુલ ગાંધીના આરોપો પર અમિત શાહએ પલટવાર કર્યો

Contact News Publisher

લોકસભા ચૂંટણીની વચ્ચે હાલ દેશભરમાં ઈલેક્ટોરલ બોન્ડને લઈને હોબાળો ચાલી રહ્યો છે. વિપક્ષ ઇલેક્ટરોલ બોન્ડને લઈને સરકાર પર સતત સવાલો ઉઠાવી રહ્યો છે. હવે વિપક્ષના આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે વિપક્ષને પૂછ્યું કે, શું વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા દાનને પણ ‘વસૂલી’ કહેશે? તમને જણાવી દઈએ કે, એક ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીએ ઈલેક્ટોરલ બોન્ડને ‘દુનિયાની સૌથી મોટી ખંડણી યોજના’ ગણાવી હતી.

લોકસભાની ચૂંટણી વચ્ચે આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓના આરોપોનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે, ‘તેમની પાર્ટીઓને ચૂંટણી બોન્ડ દ્વારા દાન પણ મળ્યું છે. એ પણ વસૂલી? રાહુલ ગાંધીએ લોકોને કહેવું જોઈએ અને સાંસદોની સંખ્યાના પ્રમાણમાં તેમને જે દાન મળ્યું છે તે અમને મળેલા દાન કરતાં વધુ છે. તેમની પાસે કોઈ મુદ્દા નથી અમારા પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી. એટલા માટે તેઓ ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ સફળ થશે નહીં.

નોંધનિય છે કે, 15મી ફેબ્રુઆરીના રોજ એક ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને આ આધાર પર ફટકો માર્યો હતો કે, તે નાગરિકોના માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, આ યોજના ગેરબંધારણીય અને મનસ્વી છે અને તે રાજકીય પક્ષો અને દાતાઓ વચ્ચે બદલાની વ્યવસ્થા હોઈ શકે છે.