ગુજરાત ભાજપનું જોરશોર માઈક્રો પ્લાનિંગ, તો કોંગ્રેસમાં દેકારો અપાર, જનસંપર્કમાં હાથ કરતાં કમળ મજ’બૂથ’

Contact News Publisher

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ભાજપ અને કોંગ્રેસ પ્રચાર-પ્રસારમાં લાગી ગયાં છે. પરંતુ ગુજરાતમાં કોનો કેટલો દબદબો જોવા મળી રહ્યો છે. અને કોણ પ્રચારમાં ક્યાં ઢીલું પડી રહ્યું છે. તે પણ જાણવું જરૂરી છે. તો આવો રાજકીય અનુમાનો જાણીએ.

પ્રચારમાં કોણ છે પાવરફુલ?
લોકસભાની ચૂંટણી નજીક છે. હવે દિવસો ગણતરીના જ બાકી રહ્યા છે. ત્યારે દરેક રાજકીય પક્ષ મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપ માઈક્રો પ્લાનિંગથી જન જન સુધી પહોંચી રહ્યું છે. જેમાં બુથ લેવલે પરિવારના સભ્યોને પેજ સમિતિ સભ્યો બનાવી ઘર ઘર સુધી કેસરિયો લહેરાવી રહ્યું છે. શહેરની સોસાયટીઓના ગેટ પર ભાજપના પોસ્ટરો જોવા મળી રહ્યા છે એટલું જ નહિ સોસીયલ મીડિયા ટીમ પણ જોરશોરથી પ્રચાર કરી રહી છે. એવું લાગે છે દરેક કડીને પોતાના પ્રચારમાં ભાજપે આવરી લીધી છે..

ચૂંટણીના મેદાનમાં કોણ ઓછું દેખાય છે?
ભાજપની જેમ કોંગ્રેસે પણ પ્રચાર-પ્રસાર તો શરૂ કરી દીધો જ છે. પરંતુ કેટલીક બેઠકોને બાદ કરતા જમીની સ્તર પર કોંગ્રેસ જાણે ગાયબ હોય તેવું લાગી રહ્યું છે. ઘર ઘર તો ઠીક પરંતુ શહેરના રસ્તાઓ પર પણ ક્યાંક પોસ્ટર કે પ્રચારનું માધ્યમ નથી જોવા મળી રહ્યું. કોંગ્રેસ પક્ષ દાવા તો કરે છે કે પ્રચાર થઇ રહ્યો છે પણ માત્ર તે રેલી સ્વરૂપે જોવા મળે છે. બુથ લેવલ સંગઠનના અભાવને કારણે ક્યાંક કોંગ્રેસ પ્રચાર કરવામાં મોળી પડી રહી છે.

કોણ કોના પર ભારે?
પ્રચારથી જ પક્ષનો ઉમેદવાર જનતા સુધી પહોંચતો હોય છે અને જનતા ઉમેદવારને નેતા તરીકે પસંદ કરતી હોય છે. ભાજપના પ્રચાર સામે કોંગ્રેસના નીરસ પ્રચારની ચૂંટણી પરિણામ પર કેટલી અસર જોવા મળશે. તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ કોંગ્રેસમાં નિરસતાનો માહોલ કોંગ્રેસને જ ભારે પડશે.