અમદાવાદમાં હિટવેવ એક્શન પ્લાન તૈયાર, તમામ સ્કૂલો સવારે 6થી 11 ચલાવવા DEOનો આદેશ

Contact News Publisher

ગુજરાતમાં ગરમી વધી રહી છે ત્યારે કમિશનર ઓફ સ્કૂલની અમદાવાદ કચેરી દ્વારા ગરમી-હિટવેવ સંદર્ભે સ્કૂલો માટે ગાઈડલાઈન જાહેર કરી છે અને ગુજરાત હિટવેવ એક્શન પ્લાનની સૂચનાઓ મુજબ સ્કૂલોમાં અમલ કરાવવા તમામ ડીઈઓને આદેશ કરવામા આવ્યો છે. ગાઈડલાઈન મુજબ ગરમીની સિઝનમાં સ્કૂલોના સમયનું નિયંત્રણ સવારે 6 થી 11 સુધી કરવાનું રહેશે તેમજ ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઓપન એર વર્ગો યોજવા નહિ.

ગુજરાત બોર્ડની સ્કૂલોમાં હાલ વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે અને સીબીએસઈ અને અન્ય બોર્ડની સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયુ હોવાથી સ્કૂલો રેગ્યુલર ચાલી રહી છે ત્યારે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા ગરમી અને હિટવેવને લઈને સ્કૂલો સવારે 6 થી 11 વાગ્યા સુધી ચલાવવા માટે તમામ ડીઈઓને પરિપત્ર મોકલવામાં આવ્યો છે.
કમિશનર ઓફ સ્કૂલ દ્વારા તમામ ડીઈઓને જણાવવામાં આવ્યું છે કે તમામ સ્કૂલોમાં શિક્ષકોની મદદથી વિદ્યાર્થીઓને હિટવેવ અને તેનાથી થતી અસરો અને તેનાથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવામાં આવે.
હિટવેવની સંભવિત અસરોથી લેવાયા પગલા
ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઓપન -એર વર્ગો ન યોજવા એટલે કે ખુલ્લામાં કોઈપણ જાતની શૈક્ષણિક- બિન શૈક્ષણિક પ્રવૃત્તિ ન કરાવવી. કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમા હિટવેવની શક્યતાઓ રહેલ છે અને જેને લઈને બચાવ અને રાહતના આગોતરા પગલા લેવામાં આવે તેથી હિટવેવની સંભવિત અસરોથી બચી શકાય.