રૂપાલા વિવાદ: ક્ષત્રિય સમાજના યુવકોએ CMના કાફલાને અટકાવવાનો કર્યો પ્રયાસ, પોલીસે આ યુવાનોની કરી અટકાયત

Contact News Publisher

વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા પુરી થયા બાદ તેમના કાફલાને અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. ક્ષત્રિય સમાજના યુવકો વિરોધ કરવા જતા પોલીસે આઠથી દશ યુવકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ મુખ્યમંત્રીની સભા અગાઉ શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા ક્ષત્રિય આગેવાનોના નિવાસસ્થાને પોલીસ મુકી નજરકેદ કરવામાં આવ્યા હતા.

ક્ષત્રિય સમાજ દ્રારા રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ હજુ જુસ્સાભેર જારી રહ્યો છે. તાજેતરમાં માંજલપુર, લક્ષ્મીપુરા વિસ્તારમાં ભાજપને પ્રવેશબંધીના બેનરો લાગ્યા હતા. મુખ્યમંત્રીની જાહેર સભા રાખવામાં આવી હતી. તે પૂર્વે સવારથી ક્ષત્રિય સમાજના કેટલીક મહિલા અને પુરૂષ આગેવાનો તેમજ કોંગ્રેસના કેટલાક આગેવાનોને નજર કેદ રાખવામાં આવ્યા હતા.

તેમજ દિવસ દરમ્યાન અને સાંજે પોલીસે ૩૦ યુવાનોની અટકાયત કરી હતી. સાંજે મુખ્યમંત્રીની સભા સુભાનપુરા ઝાંસી કી રાણી મેદાન પર પુરી થઈ તે દરમ્યાન ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવાનો પ્રયાસ કરતા પોલીસે તેઓની અટકાયત કરી હતી.