ગુજરાતમાં 25 બેઠક પર 266 ઉમેદવારો ચૂંટણી લડશે, આ સીટ પર ઉમેદવારનો ખડકલો, જાણો ક્યાં કેટલા?

Contact News Publisher

લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતમાંથી 433 ફોર્મ ભરાયા હતા. જેમાં ચકાસણી બાદ 328 ફોર્મ માન્ય રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જેમાંથી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 62 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે અટલે લોકસભામાં 25 બેઠકો પર 266 ઉમેદવારો ચૂંટણી લડશે.

25 બેઠકો પર 266 ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ
સુરત બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે જ્યારે સૌથી વધુ ઉમેદવાર અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારમાં નોંધાયા છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી સૌથી વધુ 18 ઉમેદવારો વચ્ચે જંગ જામશે જ્યારે વાઘોડિયા વિધાનસભા બેઠક પર માત્ર બે ઉમેદવારો વચ્ચે જંગ જામશે. તો બારડોલી લોકસભામાં સૌથી ઓછા 3 ઉમેદવારો ચૂંટણી માટે મેદાને ઉતર્યા છે.

વિધાનસભાની ચૂંટણીમાં 24 ઉમેદવારો વચ્ચે જંગ જામશે
સ્ક્રુટીની બાદ આજરોજ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 7-અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો તથા 23-બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જ્યારે 26-વિજાપુર વિધાનસભા બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવારો તથા 136-વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.
બનાસકાંઠામાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી
બનાસકાંઠામાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જેથી હવે બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે..એક અપક્ષ ઉમેદવાર થરાદના જયશ્રીબેન ચૌધરીએ ઉમેદવારી પાછા ખેંચી ભાજપને ટેકો જાહેર કર્યો છે. બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ મહિલા ઉમેદવારોને ઉભા રાખ્યા છે. હાલ બનાસકાંઠામાં કોંગ્રેસ ભાજપ બસપા બિએપી સહિત 12 ઉમેદવારો ચૂંટણીમાં જીત માટે પ્રયત્ન કરશે.
અમરેલીમાં 8 ઉમેદવારો વચ્ચે જંગ જામશે
અમરેલીના ચૂંટણી મેદાનમાં 8 ઉમેદવારો ઉતર્યા છે. 4 રાજકીય પક્ષના, 4 અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. કુલ 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં 1 ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી છે. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો તૈયારીમાં લાગ્યા છે
પંચમહાલમાં 8 ઉમેદવારો
પંચમહાલમાં લોકસભાની ચૂંટણીને લઇને ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જ્યાં 10માંથી 2 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે ત્યારે હવે 8 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. 8માંથી 4 અપક્ષ ઉમેદવારો મેદાને છે. બસપાના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી મેદાન છોડ્યું છે જ્યારે ભાજપના રાજપાલસિંહ જાદવ અને કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ વચ્ચે જંગ જામશે.
નવસારીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ
નવસારીમાં ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. 14 ઉમેદવારો ચૂંટણીના મેદાને આવશે. કુલ 26 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.જેમાંથી 7 ફોર્મ અમાન્ય રહ્યા હતા. જયારે 5 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી. હવે 8 રાજકીય પક્ષના તથા 6 અપક્ષના ઉમેદવારો વચ્ચે જંગ જામશે.કલેક્ટરે મતદારોને મત આપવા અપીલ કરી હતી.
વડોદરામાં 14 ઉમેદવાર મેદાને
વડોદરા લોકસભા બેઠક પર કુલ 14 ઉમેદવાર મેદાને ઉતર્યા છે. રાષ્ટ્રીય પક્ષના 3 અને અપક્ષના 11 ઉમેદવાર મેદાને ઉતર્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે.
ગાંધીનગરમાં 14 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
ગાંધીનગરમાં 14 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે 16 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી છે. કુલ 30 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
સાબરકાંઠા બેઠકની સ્થિતિ સ્પષ્ટ
લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠકની સ્થિતિ સ્પષ્ટ થઈ છે. અહીં 4 અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા છે. ત્યારે 14 ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. જિલ્લામાં ભાજપ-કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવાર મેદાને ઉતર્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ થશે.