કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં રાજકીય મહાભારત શરૂ થયું છે

Contact News Publisher

રાહુલ ગાંધીના રાજા રજવાડાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધી સામે ભાજપ આક્રમક મોડમાં આવી છે. રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ પર નિવેદન પર પ્રધાનમંત્રી મોદીએ પ્રહાર કરતા કહ્યું હતું કે, શહેજાદાએ રાજા-મહારાજાઓનું અપમાન કર્યું છે. મુગલો પર બોલતા કેમ અચકાય છે રાહુલ? તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે નિવેદન આપતા કહ્યું કે, રાહુલ ગાંધીની વાતથી કોંગ્રેસની માનસિકતા છતી થઈ છે. હડપ કરવાનું કામ કોંગ્રેસનું છે.

રાજકોટથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના રાજ રજવાડાઓ પરના નિવેદનનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં રાહુલ ગાંધીએ રાજા-રજવાડાઓ પર વિવાદિત નિવેદન આપ્યું છે. એક સભામાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે રાજા-મહારાજાઓ રાજ કરતા હતા ત્યારે તેઓ તેમને જે ઈચ્છા પડે તે લઈ લેતા હતા. તેમને કોઈની જમીન જોઈએ તો પણ લઈ લેતા હતા. આ નિવેદનનો વીડિયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી સવાલ કર્યા છે. સંઘવીએ ટ્વીટમાં લખ્યું કે, કોંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા હતા. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું છે.

રાહુલ ગાંધી દ્વારા રાજા-મહારાજા પર નિવેદનનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો દાવો કરતા કહ્યું કે, રાહુલ ગાંધીનો વીડિયો એડિટ કરેલો છે. ભાજપની ટીમે તોડી-મરેડીને વીડિયો જાહેર કર્યો છે. હર્ષ સંઘવી લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે.