સુરતમાં વંદે ભારત ટ્રેનના દરવાજા લોક થયા, કલાકથી વધુ ટ્રેન અટવાતા પેસેન્જર્સ પરેશાન થયા

Contact News Publisher

કેન્દ્ર સરકાર દ્વારા મોટા શહેરોને જોડતી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. સુવિધાથી સભર ગણાતી આ ટ્રેનમાં અગાઉ પથ્થરમારા સહિતના પ્રશ્નો સર્જાતા હતાં. ત્યારે આજે સુરત રેલવે સ્ટેશન પર વિચિત્ર ટેક્નિકલ પ્રશ્ન સર્જાયો હતો. અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ના ખુલતા પેસેન્જર્સ પરેશાન થઈ ઊઠ્યાં હતાં. કલાકથી વધુ સમય સુધી ટ્રેન અટવાઈ હતી. જેથી પેસેન્જર્સ પરેશાન થયા હતાં. લાઈટ-એસી બંધ કરવા છતાં પ્રશ્ન ઉકેલાયો નહોતો.

સુરત ખાતે સવારે 8.20 વાગ્યે વંદે ભારત ટ્રેન પહોંચે છે. પરંતુ ટેક્નિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખુલતા મુસાફરો સ્ટેશન પર ઉતરવા માટે પરેશાન બન્યા હતા.ટ્રેનમાં લાઈટ, એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખુલ્યા નહોતા. મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો હતો. ટ્રેનના સી-14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો. વંદે ભારત ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પર ઊતરનારા તમામ મુસાફર સી-14 કોચના દરવાજામાંથી બહાર નિકળ્યા હતા.

શરૂઆતમાં કોચમાં બેઠેલા મુસાફરો કંઈ સમજી શક્યા નહોતા. ત્યારબાદ રેલવે સ્ટાફ વંદે ભારત ટ્રેન પાસે પહોંચી ગયો હતો.     વંદે ભારત ટ્રેનના ટેક્નિકલ કારણોસર દરવાજા ખુલ્યા નહોતા. આથી રેલવે વિભાગના એન્જિનિયર્સની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને તેમના દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા બાદ ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં સફળતા મળી હતી. જેથી પેસેન્જર્સે હાશકારો મેળવ્યો હતો. જો કે, પરેશાન થયેલા પેસેન્જર્સે સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જેથી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.