ઈંન્દોરના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેચ્યું પાછું, અક્ષય કાંતિ બમ જોડાયા ભાજપમાં

Contact News Publisher

ગુજરાતની જેમ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધું છે. એટલું જ નહીં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય એ આ જાણકારી આપી છે.

કૈલાશ વિજયવર્ગીયએ અક્ષય બમ સાથે સેલ્ફી શેર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમનું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને પ્રદેશ પ્રમુખ વી.ડી.શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.

જણાવી દઈએ કે ઈન્દોર લોકસભા સીટ પર ચૂંટણી માટે 25 એપ્રિલ સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. 29મી એપ્રિલે નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસને કોઈ સમાચાર મળે તે પહેલા કૈલાશ વિજયવર્ગીયએ આ ‘ઓપરેશન’ પાર પાડ્યું છે. ઈન્દોરમાં લોકસભા ચૂંટણી માટે 13 મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી પૂર્ણ થશે.

 

જણાવી દઈએ કે અગાઉ સુરતમાં પણ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મમાં સાક્ષીઓની સહીમાં વિસંગતતાને કારણે તેમની ઉમેદવારી રદ કરવામાં આવી હતી. એ પછી અન્ય અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચતાં સુરતની બેઠક બિનહરિફ જાહેર કરવામાં આવી છે. લોકસભા 2024ની 1 બેઠક ભાજપે બીનહરિફ જીતી લીધી છે.

ઈંદોરના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી ભાજપમાં જોડાઈ જતાં રાજકીય ગલિયારમાં તર્ક થવા લાગ્યા છે કે હવે અન્ય અપક્ષ ઉમેદવારો પણ ફોર્મ પાછું ખેંચશે અને આ સીટને પણ ભાજપ બીનહરિફ જીતી લેશે.