જાણો ગુજરાત કઇ રીતે છૂટું પડેલું? આ રીતે અલગ થયેલા 2 રાજ્યો, 4 વર્ષે સફળ થયું હતું આંદોલન

Contact News Publisher

આજે એટલે કે 1 મે 2024ના રોજ ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ-અલગ રાજ્યો જાહેર કર્યા હતા. 1 મે 1960ના રોજ બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં હતા. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હોવાથી આ દિવસને ગુજરાત દિન, ગુજરાત સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે. ત્યારે આજના આ લેખમાં અમે આપને જણાવીશું કે કેવી રીતે બૃહદમુંબઈમાંથી ગુજરાત અલગ પડ્યું.

વાત છે 1956ની…આ સમયે આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ હતી. એ આશાનું પરિણામ આવ્યું પહેલી મે, 1960ના દિવસે જ્યારે બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં. જોકે, ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા માટે ‘મહાગુજરાત આંદોલનની’ મહત્વની ભૂમિકા રહી છે. આઝાદી પછી ‘મહાગુજરાત આંદોલન’ એ ગુજરાતીઓનું સૌથી મોટું આંદોલન હતું. જેમાં સરઘસો, હડતાળો, વિરોધ પ્રદર્શનો, ગોળીબાર થયા હતા.

ઈન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ કરાયું હતું ‘મહાગુજરાત આંદોલન’

ગુજરાતી ભાષા બોલતા પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ હકીકતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક. તેમણે વર્ષ 1956માં અગલ ગુજરાતની ચળવળને વેગ આપ્યો હતો. દેશ આખામાંથી ભાષાવાર રાજ્યો રચવાની ભલામણ થઈ રહી હતી. જોકે, મુંબઈ રાજ્યનું વિભાજન કરાયું નહોતું. તેની પાછળ ગુજરાત અને મુંબઈના આર્થિક હિત છુપાયેલું હતું. તે સમયે ઘણા રાષ્ટ્રીય નેતાઓ મુંબઈના બે ભાગલા પડે તેવું ઈચ્છતા હતા. જોકે, તે માટે પ્રજા તૈયાર નહોતી અને પછી મહાગુજરાતની ચળવળ શરુ થઈ.