ચૂંટણી પ્રચાર માટે પ્રથમવાર મોદી ગુજરાતમાં:ડીસામાં ભવ્ય સ્ટેજ તૈયાર, 56 લોકોને બેસવાની PMOથી મંજૂરી મળી; ક્ષત્રિય સમાજને લઇ પોલીસ એલર્ટ

Contact News Publisher

લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરસોરથી ચાલી રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરવાના હોવાથી ડીસામાં વડાપ્રધાનની જાહેર સભા અંગેની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. ડીસામાં બપોરે 3:30 વાગ્યે સભા હોવાથી સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવી લોકોને ગરમીથી બચાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી સાથે સ્ટેજ પર 56 નેતાઓ બેસી શકશે, જ્યારે ગઈકાલે યોજાયેલી ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શનને લઈ પોલીસ પણ ડબલ એલર્ટ મોડ પર છે.

ડોમની અંદર 100 જમ્બો કુલર લગાવવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના ગુજરાતના ત્રીજા તબક્કાના મતદાન માટે આજથી પ્રચાર કાર્ય શરૂ કરવાના છે. તેઓ ગુજરાતમાં બે દિવસમાં કુલ છ સભા સંબોધશે. જેમાં આજે ડીસા ખાતે એરોડરામ મેદાનમાં બપોરે 3:30 વાગ્યે યોજાવવાની છે. જે માટે ભાજપ દ્વારા ભર બપોર હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે અને લોકોને ગરમીથી ઠંડક મળી રહે તે માટે સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત સભા મંડપમાં 100 જેટલા જમ્બો કુલર લગાવવામાં આવશે. જેનાથી બહાર કરતાં મંડપમાં તાપમાન આઠ ડિગ્રી જેટલું નીચું રહેશે.

સભાની શરૂઆત પૂર્વે ઠાકોર સમાજમાં ઉત્સાહ: ભરતજી ધુંખ, ઠાકોર સમાજ આગેવાન

ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં સૌપ્રથમ ઠાકોર સમાજના અગ્રણીઓ પહોંચ્યા છે. મોદીને આવકારવા માટે ઠાકોર સમાજ થનગની રહ્યો છે. ડીસામાં ઠાકોર સમાજના આગેવાન ભરતજી ધૂંખ, ખેડૂત અગ્રણી કન્વરજી ઠાકોર સહિતના આગેવાનો મોદીને આવકારવા માટે સભાની શરૂઆતના પાંચ કલાક પૂર્વે સભા સ્થળે પહોંચ્યા છે.