ભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવી

Contact News Publisher

25 બેઠક જીતવું એ માત્ર ભાજપનું લક્ષ્યાંક નથી. આ તમામ બેઠક 5 લાખ લીડથી જીતવાનું ભાજપનું લક્ષ્યાંક છે. આ સપનુ નથી, પણ ટાર્ગેટ છે. આ જીતની જવાબદારી ભાજપના કાર્યકર્તાઓને સોંપાઈ છે. પાટીલ અમસ્તા જ નથી કહેતા કે, 5 લાખ લીડથી જીતીશું. આ માટે ભાજપે રણનીતિ પણ બનાવી છે. 5 લાખ લીડ પણ શક્ય છે. એ કેવી રીતે તે જોઈએ આ રિપોર્ટમાં. જોકે, આ લીડના ટાર્ગેટ વચ્ચે જો ગરમી આડે આવી તો બધુ ભૂલાઈ જશે.

મતદાનના દિવસે આકરી ગરમી રહેશે
પાટીલ દરેક સભામાં 5 લાખ લીડથી જીતવાની વાત કરે છે. પરંતુ હવે 7 મેના દિવસ પર નજર કરીએ તો, આ દિવસે આકરી ગરમી પડવાની આગાહી છે. આ દિવસે સૂર્યનો સીધો તડકો પડશે. આ દિવસે ગરમીનો પારો 42 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાના સંકેત છે. આ કારણે ભાજપની લીડના ટાર્ગેટ પર મોટી અસર પડી શકે છે. આવામાં મતદાન બપોર પછી ઢીલુ પડી શકે છે. મતદારો બપોર પછી બહાર નહિ નીકળે. તેથી સવારના જ મતદાન પર મોટી મદાર છે.

ભાજપની રણનીતિ
ગરમીના આગાહીને પગલે ભાજપે રણનીતિ જ બદલી નાંખી છે. ભાજપે સવારમાં જ મતદારોને ખેંચી લાવવા નવી રણનીતિ બનાવી છે. સવારના 6 કલાકમાં એટલે કે બપોરે 1 વાગ્યા સુધી મેક્સીમમ મતદાન થાય તે માટે ભાજપ કામે લાગ્યું છે. આ માટે બુથ લેવલ કાર્યકરો, પેજ પ્રમુખોને આ માટે આદેશ અપાયા છે. બપોર સુધીમાં 50 ટકા મતદાન થઈ જાય તેવુ ભાજપ ઈચ્છે છે.

પશુપાલકો અને ખેડૂતો મુખ્ય ટાર્ગેટ
હવે મતદારોને સવારે ખેંચી લાવવા માટે પેજ પ્રમુખો શું કરશે તે જોઈએ તો,ભાજપે આ વખતે 25 લોકસભા બેઠકો પર સવારે 9 વાગ્યા સુધી મતદાન થઈ જાય તેવો ટાસ્ક સોંપ્યો છે. જેમાં પશુપાલકો, ખેડૂતો તથા ગ્રામીણ મતદારો, જેમની દિનચર્યા વહેલી શરૂ થઈ જાય છે તેવા મતદારોને ટાર્ગેટ કરાયા છે. પશુપાલકો ડેરીએ દૂધ ભરાવીને સીધા મતદાન બૂથ પર પહોંચે. તો બપોર પછીના મતદાન માટે પણ ભાજપે માઈક્રો પ્લાનિંગ કર્યું છે.