રાજકોટ યુનિ. પોલીસ સ્ટેશન યુગલનાં લોહીથી લથપથ:નખત્રાણાનાં પ્રેમી-પંખીડાંએ પોતાનાં ગળાંમાં તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા, પ્રેમિકાનું મોત; પ્રેમી ગંભીર

Contact News Publisher

રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ પોતાના ગળામાં બ્લેડ જેવા તીક્ષ્ણ હથિયાર વડે આત્મહત્યાની કોશિશ કરી હતી. જેમાં પ્રેમિકાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. જ્યારે યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસ સ્ટેશનમાં પ્રેમી-પંખીડાંએ આત્મહત્યાની કોશિશ કરી, પ્રેમિકાનું મોત
રાજકોટ પોલીસ ફરી એક વખત ચર્ચામાં આવી છે. આજે રાત્રીના સમયે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યાની કોશિશ કરી હતી જેમાં યુવતીનું પોલીસ સ્ટેશનમાં જ મોત નીપજ્યું હતું. જ્યારે યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રેમી પંખીડા મૂળ કચ્છના નખત્રાણાના મોટી વિરાણી ગામના રહેવાસી હતા અને ગઈકાલે બંને ઘરેથી ભાગી રાજકોટ પહોંચ્યા હતા હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ સ્ટેશનની અંદર બનેલી ગંભીર ઘટના પગલે જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.

પ્રેમિકાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું
પ્રાપ્ત વિગત મુજબ કચ્છ જિલ્લાના નખત્રાણાના મોટી વિરાણી ગામના રહેવાસી પ્રેમી પંખીડાએ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અંદર નાગરિક સુવિધા કેન્દ્રમાં આપઘાતની કોશિશ કરી હતી. જેમાં પ્રેમિકાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પ્રેમીને ગંભીર ઇજા પહોંચતા હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી સર્જરી કરવામાં આવી રહી છે. આ બનાવની જાણ થતા ડીસીપી કક્ષાના અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

નખત્રાણા પોલીસને જાણ કરવામાં આવી
રાજકોટ ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રેમી વિનોદ ગોપાલ સતવારા (ઉ.વ.19) અને પૂજા રૂપા ભદ્ર (ઉ.વ.23) ગત તારીખ 2 એપ્રિલના રોજ ઘરેથી નાસી છૂટ્યા હતા બંને વચ્ચે પ્રેમ સબંધ હતો. આ બનાવ અંગે 3 તારીખના રોજ નખત્રાણા પોલીસે ગુમનોંધ આધારે તપાસ શરૂ કરી હતી અને લોકેશન રાજકોટ હોવાનું માલુમ થતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે બન્નેને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને નખત્રાણા પોલીસને જાણ કરવામાં આવી હતી.