ભાજપે લીડની જિદ છોડી!:પાંચ લાખની લીડ ભૂલાઇ, હવે માત્ર જંગી લીડ પર જ નિશાન

Contact News Publisher

ચિંતન આચાર્ય ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 151 બેઠકોના વિજય બાદ લોકસભાની ચૂંટણીમાં દરેક બેઠક પાંચ લાખથી વધુની લીડથી જીતવાનું લક્ષ્યાંક બહુ પહેલા કાર્યકરો સામે મૂકી દીધું છે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર થયા ત્યાં સુધી પાંચ લાખની લીડના શબ્દો ગૂંજતા હતા, પરંતુ તે પછી તરત જ ભાજપની આંતરિક જૂથબંધીને કારણે જે વિરોધ ફાટી નીકળ્યો અને રૂપાલાની ટિપ્પણીથી ક્ષત્રિય સમાજ ભડક્યો ત્યારથી ઘણીબધી બેઠકો પર ભાજપ માટે પડકાર છે. હવે ભાજપના નેતાઓ પાંચ લાખની લીડ એવું પોતાના ભાષણમાં બોલતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી તો પોતાની સભામાં ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાની વાત કરે છે, પરંતુ હવે પાટીલ પણ પોતાના પ્રવચનમાં આ લીડની વાત દબાતા સ્વરે જ કરે છે. થોડા દિવસ પહેલાં સાબરકાંઠામાં યોજાયેલા સહકાર સંમેલનમાં જ પાટીલે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને કહ્યું કે આ ચૂંટણીમાં જો તમારા વિસ્તારમાં ઉમેદવારને પાંચ લાખની લીડ મળવામાં ઓટ આવે તેમ હોય તો તે તમે પૂરી કરી આપજો. ભાજપના નેતાઓ જ હવે માને છે કે વર્તમાન સ્થિતિમાં ભાજપના ઉમેદવારો માટે લીડ કરતાં જીત મહત્ત્વની થઇ ગઇ છે. ઘણી જગ્યાએ જ્ઞાતિઓને કારણે અને કેટલીક બેઠકો પર આંતરિક મુદ્દાઓને લઇને આ સ્થિતિ ઊભી થઇ છે. કાર્યકરોથી સંતોષ અસંતુષ્ટ થોડા સમય પહેલાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાત આવ્યા હતા. તેમણે પણ કાર્યકરો અહીં ખાસ લોકસંપર્ક કરી શક્યા નથી અને ઉમેદવારોનો પ્રચાર ઘર-ઘર સુધી થઇ શક્યો નથી તે મામલે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે તે બાબતે શંકા પણ વ્યક્ત કરી હતી કે મતદાન નીચું જાય તો ભાજપ માટે સ્થિતિ વિકટ બની શકે.

 

શાહ અને પાટીલ, બેમાંથી કોને વધુ લીડ મળશે?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમણે કાર્યકરોને 10 લાખની લીડનો લક્ષ્યાંક આપ્યો છે. આ તરફ પાટીલની નવસારી બેઠક પર ગુજરાતમાં સૌથી વધુ 22 લાખ ઉપરાંત મતદાતાઓ છે, તેથી તેઓ આ વખતે ગઇ ચૂંટણીમાં મળેલી 6.86 લાખની લીડ કરતાં વધુ મતે વિજેતા બનવા માગે છે. આ સંજોગોમાં શાહ અને પાટીલ પૈકી કોને વધુ મતોની લીડ મળે છે તે જોવું રસપ્રદ રહેશે.

 

ભાજપની 5 લાખથી વધુ લીડ ધરાવતી બેઠકો સુરત- 5.48 લાખ, ગાંધીનગર- 5.57 લાખ, વડોદરા- 5.89 લાખ, નવસારી- 6.86 લાખ ભાજપની 3 લાખથી વધુ લીડ ધરાવતી બેઠકો પંચમહાલ- 4.28 લાખ, વલસાડ- 3.53 લાખ, ભરૂચ, 3.34 લાખ, છોટા ઉદેપુર- 3.77 લાખ, ખેડા- 3.67 લાખ, રાજકોટ- 3.68 લાખ, અમદાવાદ પૂર્વ- 4.34 લાખ, બનાસકાંઠા- 3.68 લાખ અને કચ્છ 3.05 લાખ.

 

નરેન્દ્ર મોદી જ ચહેરા તરીકે રજૂ કરાય છે
ભાજપ ગુજરાતની દરેક બેઠક પર વિજય માટે જે-તે ઉમેદવારને બદલે મોદીનો ચહેરો જ આગળ ધરે છે. સ્વયં મોદી પણ બે દિવસ દરમિયાન ગુજરાતની પ્રચારસભામાં બોલતા રહ્યા કે તમે તમારો મત અહીંના ઉમેદવારને આપશો તો તે મત સીધો મને મળશે. પાંચ લાખ જેટલી મોટી લીડ મેળવવા માટે પક્ષ કે તેના નેતાની સાથે ઉમેદવારની પોતાની છબિ પણ તેટલી જરૂરી હોય છે.