રાજકોટ મનપાની ટોયઝ લાયબ્રેરી બનાવશે બાળકોનું 45 દિવસનું વેકેશન રસપ્રદ, ગેમ્સ-પઝલ સહિત 10 હજારથી વધુ રમકડાં રમવા મળશે

Contact News Publisher

મોટાભાગની શાળાઓમાં હાલ વેકેશન પડી ચૂક્યા છે ત્યારે માતા-પિતાની એક જ ટેન્શન હોય છે કે, આ 45 દિવસનું વેકેશન બાળકો માટે કેવી રીતે પ્લાન કરવું? બાળકો સામાન્ય રીતે વેકેશનમાં રમકડાથી રમીને સમય પસાર કરતા હોય છે પણ એક જ રમકડાથી રમીને તેઓ અમુક સમય પછી કંટાળી જતા હોય છે અને રોજ-રોજ નવું રમકડું લાવવું વાલીઓને પણ ન પોસાય ત્યારે આજે તમને રાજકોટની મનપા સંચાલિત 4 ટોયઝ લાયબ્રેરી વિશે જણાવીશું કે, જ્યાં 2થી 13 વર્ષનાં બાળકો રમી શકે એવા 10,000 કરતા વધુ ગેમ્સ, પઝલ સહિતનાં રમકડાં માત્ર રૂ. 20નાં નજીવા માસિક ભાડે આપવામાં આવે છે.

1988-89માં રમકડાં લાઈબ્રેરીની શરુઆત થઈ
રાજકોટ મનપાનાં ડેપ્યુટી ચીફ લાઈબ્રેરીયન સુનીલ દેત્રોજાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ મનપા દ્વારા સંચાલિત 4 લાઈબ્રેરીમાં વિવિધ પ્રકારના રમકડાં ભાડે આપવામાં આવે છે. વર્ષ 1988-89માં પ્રભાદેવી નારાયણ પુસ્તકાલય ખાતેથી રમકડાં લાઈબ્રેરીનો પ્રારંભ કરાયો હતો. હાલ સાધુવાસવાણી રોડ, કેનાલ રોડ અને શ્રોફ રોડ પરની લાયબ્રેરીમાં પણ રમકડાં લાયબ્રેરી કાર્યરત છે. જ્યાં બાળકોને મનગમતા રમકડા માસિક માત્ર રૂ. 20નાં ભાડા પર આપવામાં આવી રહ્યા છે. હાલ લગભગ દરરોજ 40 જેટલા લોકો આ સુવિધાનો લાભ લઇ રહ્યા છે.

દર મહિને 20 રૂપિયા ભરો ને નવું રમકડું લઈ જાઓ
ટોયઝ લાયબ્રેરીમાં 2થી 13 વર્ષનાં બાળકોને મેમ્બરશીપ આપવામાં આવે છે. જ્યારે પહેલી વાર મેમ્બરશીપ લેવામાં આવે ત્યારે રૂ. 280 ચુકવવા પડે છે. જેમાં 60 રૂપિયા લવાજમના, 15 રૂપિયા દાખલ ફી, 5 રૂપિયા ફોર્મફી અને 200 રૂપિયા ડિપોઝિટનાં છે. જ્યારે મેમ્બરશીપ કેન્સલ કરાવવામાં આવે ત્યારે ડિપોઝીટ પેટે લીધેલા 200 રૂપિયા પરત આપવામાં આવે છે એટલે કે દર મહિને 20 રૂપિયા ભરીને વાલીઓ પોતાના બાળકોને દર સપ્તાહે એક નવું રમકડું રમવા આપી શકે છે. જોકે, આ રમકડાંને સાચવી રાખવું જરૂરી છે. જો તૂટી જાય કે નુક્સાન થાય તો જે-તે વાલીએ સંપૂર્ણ રકમ ચૂકવવી પડે છે.