કાલે ખરાખરીનો જંગ, કાઉન્ટડાઉન શરૂ:ગુજરાતમાં 28 વર્ષ પછી મે મહિનામાં મતદાન, આકરી ગરમીમાં ચૂંટણી સ્ટાફ ઇવીએમ મશીન લઈ મતદાન મથકે જવા રવાના

Contact News Publisher

ગુજરાતની લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટેની 5 બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણીપંચ દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આ અંગે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વોટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે રાજ્યના દરેક બૂથ પર ઇવીએમ મશીન સાથે સ્ટાફ પહોંચી જશે. ગુજરાતમાં 50,787 મતદાન મથક પર 7 મેના રોજ મતદાન યોજાશે, જેમાં 13,600 મતદાન મથક સંવેદનશીલ છે. આ વખતે સંવેદનશીલ મતદાન મથકોમાં 450 મતદાન મથકનો વધારો થયો છે. ક્રિટિકલ મતદાન મથકો માટે 10 જેટલી SRP કંપનીનો ઉપયોગ કરવાનું ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયું છે. જ્યારે 1.20 લાખ પોલીસકર્મી મતદાનના દિવસે ખડેપગે રહેશે. તેમજ મતદાનના દિવસે હીટવેવને લઈને ચૂંટણીપંચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગુજરાતમાં 28 વર્ષ પછી મે મહિનામાં મતદાન થશે, આવતીકાલે 43 ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે આજે રાજ્યની તમામ બેઠક પરના પોલ બુથ પર ચૂંટણી સ્ટાફ દ્વારા તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. આકરી ગરમીમાં ચૂંટણી સ્ટાફ દ્વારા ઇવીએમ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ સુરક્ષાને લઈને દરેક પોલ બુથ પર પોલીસ પણ ખડેપગે છે.

સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં 20,33,419 જેટલા મતદારો નોંધાયા છે. આ ઉપરાંત કુલ 445 શહેરી અને 1691 ગ્રામ્ય વિસ્તારના એમ મળી 2136 જેટલા મતદાન મથક ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ મતદાન મથકો પૈકીના 50% (1073 મતદાન મથકો) મતદાન મથક પર વેબ કાસ્ટિંગ કરવામાં આવશે.

કુલ સાત વિધાનસભા મતદાર વિભાગના 2136 મતદાન મથકો પર 9412 જેટલા પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. જે મતદાનના દિવસે મતદાન મથક ખાતે ફરજ બજાવશે. આ ઉપરાંત કુલ 244 જેટલા ઝોનલ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. ચૂંટણી સંબધિત માહિતી માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જેનો ટોલ ફ્રી નંબર 1950 છે. દિવ્યાંગ મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં શક્ય તેટલી તમામ સુવિધાઓ મળી રહે તે માટે મતદાનના દિવસે મતદાન મથક પર વ્હીલ ચેર, વાહન તથા સ્વયંસેવકો સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

કુલ 2136 જેટલા બુથો પર 1114 જેટલી વ્હિલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરેક બુથ પર પીવાના ઠંડા પાણીની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ORS અને મેડિકલ કિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક સેક્ટર રૂટ દીઠ મેડિકલ ટીમની રચના કરવામાં આવી છે. જે તમામ પ્રકારની પ્રાથમિક સારવારની સુવિધા પૂરી પાડશે.