ક્ષત્રિય વસતીવાળા વિસ્તારમાં કેવો છે માહોલ?:રાજકોટ, જામનગર સહિત 9 સીટ પર અસર, મતદાન માટે ભાજપના પેજ પ્રમુખની સામે ક્ષત્રિયોનું બુથ પ્લાનિંગ

Contact News Publisher

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ ગુજરાતબરમાં સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ક્ષત્રિય સમાજને એકજૂથ કરવા મહાસંમેલન પણ કરવામાં આવી રહ્યા છે. આ સાથે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પણ આહવાન કરવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય સમાજના સર્વે પ્રમાણે ગુજરાતમાં રાજકોટ, જામનગર સહિત 9 સીટ પર અસર થઈ શકે છે. જેને લઈને જ્યાં ભાજપ દ્વારા પેજ પ્રમુખ સહિતના પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. તો તેની સામે ક્ષત્રિય સમાજ દ્વારા માઈક્રો બુથ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ સાથે જ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાતના રાજકારણમાં રાજનીતિની પાઠશાળા ગણાતી રાજકોટની બેઠક આ વખતે ચર્ચાનું કેન્દ્ર બની છે. 34 વર્ષમાં માત્ર એક વખત અહીં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજકોટ બેઠક પર 1977થી 2009 સુધી લેઉવા પાટીદાર સમાજના જ સાંસદ રહ્યા હતા. આ વખતે ભાજપે કડવા પાટીદાર પુરુષોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે લેઉવા પાટીદાર પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. ભાજપ માટે રૂપાલાએ કરેલી ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ ટીપ્પણી શાંત થવાનું નામ લેતી નથી ત્યારે લેઉવા પટેલ સમાજ પણ ભાજપ સામે નારાજ હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. તેમાંય ‘જાગો લેઉવા જાગો’ પત્રિકાથી રાજકોટ બેઠક પર ગરમાવો આવ્યો છે. ફરી બેઠક કબ્જે કરવા અને પરેશ ધાનાણીને જીતાડવા લેઉવા પાટીદારોમાં અંડર કરંટ જોવા મળી રહ્યો છે.

ગુજરાતની આ બેઠકો પર ક્ષત્રિય આંદોલનની અસર

ગુજરાતમાં 26 બેઠકો પૈકી રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો વિરોધ શરૂ થયો હતો. ત્યારબાદ આ વિરોધ મહાસંમેલન સ્વરૂપે આગળ વધ્યો હતો. જેને પગલે ગુજરાતની 9 સીટ પર ક્ષત્રિય આંદોલનની અસર કરતા હોવાનો ક્ષત્રિય સમાજ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, આણંદ, ખેડા, કચ્છ, વડોદરા અને સાબરકાંઠા પર ક્ષત્રિય સમાજના આંદોલનની અસર થઈ છે. જેને પગલે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું છે.