સોની પરિવારને એન્ટી ડ્રગ્સ આપવામાં મોડું થયું!:મોભીએ પણ પોટેશિયમ ગોલ્ડ સાઈનાઇટ લીધું, આરોપી પિતા અને પુત્રની હાલત નાજુક

Contact News Publisher

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં સોની પરિવારના 2 સભ્યોના મોત થયા હતા. ઘરના મોભીએ તેના પિતા, પત્ની અને પુત્રને શેરડીના રસમાં પોટેશિયમ ગોલ્ડ સાઈનાઇટ નાંખી હત્યાનું કાવતરું રચ્યું હતું. જેમાં પિતા અને પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.સમગ્ર મામલે પોલીસે આરોપી પિતાની પૂછપરછ હાથ ધરતાં આરોપીએ પણ ઝેરી પદાર્થ લઇ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પણ પોટેશિયમ ગોલ્ડ સાઈનાઇટ ખાઈ લીધું હતું. ત્યારે આરોપી અને તેનો પુત્ર હાલ નાજુક સ્થિતિમાં સારવાર હેઠળ છે. જ્યારે પોલીસે હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવાથી 2 કીટ મંગાવી આપી હતી, પરંતુ 24 કલાક વીતી જતાં તે નકામી હોવાનું જાણકાર તબીબ કહી રહ્યા છે.

આરોપીએ પોલીસ તપાસ દરમિયાન ઝેરી પદાર્થ લઈ લીધો
આ સમગ્ર મામલામાં પત્ની અને પિતાનું મોત નિપજ્યા બાદ પોલીસને જાણ બહાર અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. બાદમાં આરોપી ચેતન સોનીએ પુત્ર આકાશની તબિયત ખરાબ હોવાથી પોતાની પત્નીએ શેરડીના રસમાં પોટેશિયમ ગોલ્ડ સાઈનાઇટ નાખ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. જોકે, પોલીસ તપાસમાં આરોપી ચેતને પોતે આ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેણે પણ ઝેરી પદાર્થ લઈ લેતાં તબિયત લથડી હતી અને પોલીસ સયાજી હોસ્પિટલમાં લાવી હતી, જ્યાં તેની સ્થિતિ હાલમાં પણ નાજુક છે. આ મામલે આરોપી સામે પોલીસે હત્યાનો ગુન્હો નોંધ્યો છે.

પોલીસ પૂરાવા એકત્રિત કરવામાં લાગી
આ સમગ્ર મામલે પોલીસે આરોપીના સાળા મનોજે પોતાના બનેવી સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ઘરમાંથી શેરડીના રસ અને પોટેશિયમ ગોલ્ડ સાઈનાઇટના સેમ્પલ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ પૂરાવા એકત્રિત કરવા આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કરવામાં આવ્યું છે.