રાજકોટ, પાટણ… આ છે ગુજરાતની એવી બેઠકો, જ્યાં થઈ શકે છે કાંટે કી ટક્કર, જાણો શું કહે છે રાજકીય ગણિત

Contact News Publisher

ગુજરાતની બેઠકો પર જીત મેળવવી ભાજપ માટે સરળ માનવામાં આવે છે, ગુજરાતને દેશભરમાં મોડલ તરીકે રજૂ કરવામાં આવે છે. છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવ્યા બાદ પક્ષનું એવું લક્ષ્ય હતું કે આ વખતે દરેક બેઠકો પર પાંચ લાખની લીડથી જીત મેળવવી. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે કેટલીક બેઠકો પર આ લક્ષ્યને હાંસલ કરવા માટે ભાજપે ભારે જોર લગાવવું પડ્યું છે.

ગુજરાતમાં કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ભાજપ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરતાની સાથે જ વિવાદ જોવા મળ્યો હતો. વડોદરામાં રંજન ભટ્ટ સામે તો સાબરકાંઠામાં ઉમેદવાર ભીખાજી ઠાકોર સામે પણ વિવાદ થયો. ભાજપની જાહેરાત પહેલા જ રંજન ભટ્ટે પોતાનું નામ પાછું ખેંચવાની જાહેરાત કરી. તો સાબરકાઠામાં ભીખાજી ઠાકોરનાં બદલે શિક્ષિકા શોભના બારૈયાના નામની જાહેરાત થઈ. ત્યારે ભીખાજી ઠાકોરના ટેકેદારોએ તેમને ફરી ઉમેદવાર બનાવવા માટે અભિયાન કર્યું હતું, આખરે રાજ્ય ગૃહ મંત્રી, પ્રદેશ નેતાગીરી અને છેલ્લે મુખ્યમંત્રીએ હસ્તક્ષેપ કરીને મામલો થાળે પાડ્યો. આ સિવાય કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ઉમેદવાર સામે મતદારોને રોષ છે, જેમાં જુનાગઢનાં રાજેશ ચુડાસમા સામે, આણંદ, બનાસકાંઠા બેઠક પર પણ ઉમેદવાર સામે વિરોધ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજના વિરોધને કારણે સુરેન્દ્રનગર, જામનગર, સાબરકાંઠા, ભાવનગર, જુનાગઢ જેવી બેઠકો પર મતદાન પર અસર જોવા મળે એવી શક્યતા છે. આ બેઠકો ભાજપ માટે સરળ હોવા છતાં ભાજપે એમાં મહેનત કરવી પડી છે. સામે કોંગ્રેસના ઉમેદવાર પણ મજબૂર હોવાથી જોરદાર રાજકીય વાતાવરણ જામ્યું છે.

રાજકોટમાં લેઉવા vs કડવાનો છે જંગ
રાજકોટ બેઠક પર મૂળ અમરેલીના પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર જાહેર કર્યા, અને એક કાર્યક્રમમાં તેમણે ક્ષત્રિય સમુદાય અંગે નિવેદન આપ્યું ત્યારે અહીં પણ ક્ષત્રિય સમાજે તેમનો વિરોધ કર્યો હતો. ભલે તેમણે આ નિવેદન અંગે માફી માંગી, પણ રૂપાલાની માફી ક્ષત્રિય સમાજે ન સ્વીકારી અને પછી ક્ષત્રિય સમાજે દરેક બેઠક પર ભાજપનો વિરોધ કર્યો છે. ક્ષત્રિય સમાજની નારાજગીને શાંત કરવા માટે અનેક બેઠકો પછી પણ તેઓ ભાજપની વિરુદ્ધ મત આપવાનો હોવાની જાહેરાત કરી રહ્યા છે. રાજકોટમાં વધુ એક વિવાદ ઉભો થયો, શુક્રવારે રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજ અંગેની પત્રિકા વાયરલ થઈ, જેને લઈને હવે રાજકારણની ગરમીનો પારો ચઢી ગયો છે. આ સમગ્ર મામલે પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી અને પોલીસે કોંગ્રેસના 4 યુવા પાટીદાર કાર્યકરોની ધરપકડ કરી એ પછી વિવાદ વધ્યો હતો, અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અંગે ગણતરીના ગામોમાં લેઉવા પાટીદારોએ બેઠક કરી હતી. રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર મૂળ અમરેલીનાં છે અને ભાજપના પરષોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે જયારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી લેઉવા પાટીદાર છે. ત્યારે આ બેઠક પર રૂપાલાના ક્ષત્રિયો અંગેનાં નિવેદનના કારણે અને કડવા-લેઉવા પાટીદારની પત્રિકાના વિવાદ વચ્ચે રાજકોટની પ્રજા કોણે પોતાનો મત આપશે એ જોવું રહ્યું.

સુરેન્દ્રનગરમાં કોળી અને ક્ષત્રિય મતદારો નક્કી કરશે કે કોણ જીતશે
સુરેન્દ્રનગરની બેઠક પર તળપદા કોળી અને ચુંવાળીયા કોળી જ્ઞાતિના ઉમેદવારનો વિવાદ થયો. સ્થાનિકોની માંગ તળપદા કોળી ઉમેદવારની હતી, પણ ભાજપે હળવદના ચુંવાળીયા કોળી ચંદુભાઈ શિહોરને ઉમેદવાર બનાવ્યા. સામે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી જે તળપદા કોળી સમાજના છે. અહીં સાડા ચાર લાખ કોળી મતદારમાં તળપદાનો હિસ્સો ત્રણ લાખ જેવો છે. આ સિવાય ક્ષત્રિયનો ભાજપ સામે વિરોધ પણ અહીં મતદાન માટે મહત્ત્વનું પરિબળ રહેશે.