અઢી વર્ષનું બાળક રમતાં-રમતાં પથ્થર ગળી ગયું:શ્વાસનળીમાં ફસાતા ઓક્સિજન લેવલ 70% થઈ ગયું, ડોક્ટરે દૂરબીનથી જટિલ સર્જરી કરી નવજીવન આપ્યું

Contact News Publisher

નાનાં બાળકો અવારનવાર રમતાં રમતાં કંઈક ને કંઈક વસ્તુ મોઢામાં નાખી દેતા હોય છે અને ત્યારબાદ કેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય શકે તેવો જ એક કિસ્સો તાજેતરમાં રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં દોઢ મહિના પહેલાં અઢી વર્ષનો બાળક રમતાં રમતાં પથ્થર ગળી ગયો હતો અને શ્વાસનળીમાં ફસાઇ ગયો હતો. આ કારણે બાળકને દોઢ મહિનાથી કફ મટતો નહોતો. ધીમે-ધીમે ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું. એક સમયે બાળકનું ઓક્સિજન લેવલ 70 ટકા થઈ જતાં માતા-પિતા ચિંતામાં મુકાયાં હતાં અને તુરંત બાળકને રાજકોટ હોસ્પિટલ લાવ્યાં હતાં. રાજકોટની હોસ્પિટલમાં નિદાન કરતા પથ્થર શ્વાસનળીમાં ફસાયો હોવાનું માલૂમ પડ્યું હતું. આથી ડોક્ટરે દૂરબીન વડે જટિલ સર્જરી કરી પથ્થર બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું હતું. 18 એપ્રિલે ઓપરેશન થયા પછી બાળકને હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો હતો. સંપૂર્ણ રીતે સ્વસ્થ થતાં ગઈકાલે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી
રાજકોટના વિદ્યાનગર રોડ સ્થિત ડો. હિમાંશુ ઠક્કરની હોસ્પિટલમાં આ કેસ સામે આવ્યો હતો. જેમાં ખરેડીના કેતનભાઈ સરેસિયાના અઢી વર્ષના પુત્ર માધવને છેલ્લા દોઢ મહિનાથી ઉધરસ અને કફ મટતો નહોતો. અનેક ડોક્ટરો પાસે તપાસ કરાવી અને રિપોર્ટ કરાવ્યા. પરંતુ કોઈ ફરક ન જણાતા ફેફસાંનો એક્સ-રે કરવામાં આવ્યો હતો. જેમાં માલૂમ પડ્યું કે, બાળકની શ્વાસનળીમાં જમણી બાજુ છેક ઊંડે ફેફસાંની નજીક કંઈક ફસાયેલ છે અને તેના જમણા ફેફસાંમાં બિલકુલ હવા જતી નહોતી અને ફેફસાંમાં ચેપ પણ લાગી જતાં બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

SPO2નું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું હતું
એટલું જ નહીં ઓક્સિજનનું લેવલ માત્ર 70 ટકા થઈ જવાની સાથે જ SPO2નું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું હતું. આવી ગંભીર પરિસ્થિતિમાં બાળકના વાલીઓને પૂછતાં માલૂમ પડ્યું કે, આશરે દોઢ મહિના પહેલાં પથ્થર ગળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. બાળકના વાલીઓને શ્વાસનળીમાં દૂરબીનથી તપાસ કરવા માટે સમજાવ્યા હતા તુરંત ડોક્ટરે બાળકને ઓપરેશનમાં લઈ ગયા હતા. શ્વાસનળીમાં દૂરબીન વડે તપાસ કરતા જાણવા મળ્યું કે, પથ્થર શ્વાસનળીની દીવાલ સાથે ચોંટી ગયો છે અને આજુબાજુ કફ પણ છે. શ્વાસનળીની દીવાલ પર સોજો પણ આવી ગયો હતો. તુરંત જ દૂરબીન વડે પથ્થર અને કફ બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો.

Exclusive News