અંકલેશ્વરમાંથી ગાંજાની ખેતી ઝડપાઇ, લીલા-સૂકા મળીને નશીલા પદાર્થના 52 છોડ મળ્યા

Contact News Publisher

ગુજરાતમાંથી ફરી એક વખત ગાંજાની ખેતી ઝડપાઇ છે. અંકલેશ્વરના અંદાડાના ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઇ છે. 40 કિલો ગાંજા સાથે ખેતરના માલિકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

અંકલેશ્વરમાંથી ઝડપાઇ ગાંજાની ખેતી

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની સીમમાં ભરૂચ એસઓજી પોલીસે એક ખેતરમાંથી 52 નંગ ગાંજાના છોડ સાથે ખેતર માલીકની ધરપકડ કરી છે. પોલીસે ખેતર માલીક પાસેથી 3 લાખ 96 હજારની કિંમતનો 39 કિલોગ્રામ ગાંજાના છોડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ એસઓજીની ટીમ ‘No Drugs in Bharuch’ અભિયાન હેઠળ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતા ધનાભાઇ જેરામભાઇ આહીરે ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યુ હોવાની માહિતી મળી હતી.આ માહિતીના આધારે એસઓજી પોલીસે તેમના ખેતરમાં સર્ચ કરતા 52 નંગ ગાંજાના લીલા અને સૂકા છોડ મળી આવ્યા હતા.

પોલીસે ખેતર માલીક ધનાભાઇ આહીરની ધરપકડ કરી  39.650 કિલોગ્રામ ગાંજાના છોડ કબ્જે કર્યા હતા. જેની બજારમાં કિંમત 3 લાખ 96 હજારની કિંમત થવા જાય છે. ધના આહીર વિરૂદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.