MSUના 150 જેટલા phD વિદ્યાર્થીઓના થિસિસ 6 મહિનાથી ધૂળ ખાઈ રહ્યા છે

Contact News Publisher

એમ.એસ.યુનિવર્સિટીમાં ફરી એક વખત પીએચડી કરી રહેલા વિદ્યાર્થીઓની સત્તાધીશોના પાપે દશા બેઠી છે. મળતી વિગતો પ્રમાણે વિવિધ ફેકલ્ટીઓમાં પીએચડી કરી રહેલા 150 જેટલા વિદ્યાર્થીઓના પીએચડી થિસિસ તપાસવા માટેની પરીક્ષકોની પેનલને યુનિવર્સિટી સત્તાધીશોએ છેલ્લા 6 મહિનાથી મંજૂરી આપી નથી.

યુનિવર્સિટીમાં કોમન એકટ આવ્યા બાદ વહીવટનુ કેન્દ્રીકરણ થઈ ગયુ છે અને યુનિવર્સિટી સત્તાધીશોને હવે કોઈ રોકનાર-ટોકનાર નહીં હોવાથી સત્તાધીશો મન ફાવે તેવી રીતે વડોદરાની આ અમૂલ્ય શૈક્ષણિક વિરાસતનો વહિવટ કરી રહ્યા છે.જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન છે.

કોઈ પણ યુનિવર્સિટી માટે પીએચડી વિદ્યાર્થીઓનુ આગવુ મહત્વ હોય છે.પીએચડી કરનારા વિદ્યાર્થીઓ પોતાનો થિસિસ સુપરત કરે એટલે તે તપાસવા માટે પરીક્ષકોની પેનલ નક્કી થતી હોય છે.દરેક થિસિસ માટેની પેનલને એકેડમિક કાઉન્સિલમાં મંજૂર કરવામાં આવે તે પછી વાઈસ ચાન્સેલર તેમાંથી બે નામ પસંદ કરતા હોય છે.આ પરીક્ષકો વિદ્યાર્થીની થિસિસ તપાસે છે અને એ પછી વિદ્યાર્થીનો વાયવા લેવામાં આવે છે.જેમાં તે સફળ થાય તો તેને પીએચડીની પદવી એનાયત થાય છે.

બે વર્ષ પહેલા પણ સત્તાધીશોએ એકેડમિક કાઉન્સિલની બેઠક બોલાવવામાં કરેલા વિલંબના કારણે 110 જેટલા પીએચડી વિદ્યાર્થીઓનુ ભાવિ અધ્ધરતાલ થઈ ગયુ હતુ. તે વખતે સિન્ડિકેટ સભ્યોએ ભારે ઉહાપોહ કર્યો હતો પણ હવે તો  સિન્ડિકેટની જગ્યાએ બનાવાયેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં તો વાઈસ ચાન્સેલરના કહ્યાગરા અને શોભાના ગાંઠિયા સમાન અધ્યાપકોને  હાજી..હાજી કરવા માટે ગોઠવી દેવાયા છે.જેના કારણે પીએચડી વિદ્યાર્થીઓ માટે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પણ કોઈ બોલે તેવી શક્યતા નથી.