લોકસભા ચૂંટણી: વૉટર ટર્નઆઉટના આંકડા અંગે સર્જાયો વિવાદ, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી

Contact News Publisher

લોકસભાની ચૂંટણી માટે મતદાનના દિવસે પડેલા મતોની સંખ્યા અને તેના દ્વારા જાહેર કરવામાં આવેલા અંતિમ આંકડામાં અંતરના કારણે વિવાદ સર્જાયો છે. આ અંગે ચૂંટણી પંચના અધિકારીઓએ બુધવારે કહ્યું હતું કે મતદાનમાં ‘પરિવર્તન’ની કોઈપણ ગણતરી મતદાનના બીજા દિવસે અપડેટ કરાયેલા આંકડા અને થોડા દિવસો પછી જાહેર કરવામાં આવેલા અંતિમ આંકડા વચ્ચેના અંતરના આધારે થવી જોઈએ. આ સાથે જ તેમણે જણાવ્યું કે, મતદાનના બીજા દિવસે જાહેર કરવામાં આવેલા આંકડા અને અંતિમ આંકડા વચ્ચેનું અંતર માત્ર કેટલાક લાખનું જ છે. કોંગ્રેસે વોટિંગમાં 1.07 કરોડના વધારા પર ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ મતદાનના દિવસે ચૂંટણી પંચની એપ પર દર્શાવવામાં આવેલા આંકડા અને અંતિમ મતદાન ડેટા વચ્ચેના અંતર તરફ ઈશારો કર્યો છે.

કોંગ્રેસની ચિંતા પર ચૂંટણી અધિકારીઓએ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોનો હવાલો આપતા રેકોર્ડ પર ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે. જો કે, તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, મતદાન દિવસના આંકડાને બીજા દિવસે આપવામાં આંકડાથી અલગ કરીને જોવું ખોટું હતું. આનું કારણ એ છે કે મતદાનના દિવસે દૂરના વિસ્તારોમાં આવેલા મતદાન મથકોમાંથી મતદાનની વિગતો સામાન્ય રીતે ઉપલબ્ધ નથી હોતી. બીજા દિવસ સુધીમાં તમામ મતદાન મથકો પરથી મતોની વિગતો આવે તો તે બીજા દિવસે અપલોડ કરવામાં આવે છે. જેના કારણે આંકડામાં થોડું અંતર દેખાય છે.

ઉચ્ચ સ્તરના સુધારાના દાવાનું ખંડન કરવા માટે ચૂંટણી અધિકારીઓએ 2019ના ડેટાનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે, 2019માં તમામ તબક્કામાં મતદાનના દિવસે સાંજે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરાયેલા આંકડા અને ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા અંતિમ આંકડા વચ્ચેનું અંતર 1.5% થી 3.4% ની વચ્ચે હતું. ચૂંટણી પંચના એક સૂત્રએ જણાવ્યું કે બૂથ પર મતદાન પૂર્ણ થયા બાદ મતદાન ટીમ ફોર્મ 17C સાથે સંબંધિત રિટર્નિંગ ઓફિસર પાસે આવે છે. આ ફોર્મમાં મતોની ચોક્કસ સંખ્યા સટીક લખેલી હોય છે. અધિકારીએ આગળ કહ્યું કે દરેક મતદાન મથક પર કુલ મતદાનમાં કોઈ ફેરફાર કે વધારાનો કોઈ સવાલ જ નથી ઉઠતો કારણ કે વિવરણ ફોર્મ 17Cમાં નોંધવામાં આવે છે અને પોલિંગ એજન્ટને આ ફોર્મની સહી કરેલી નકલો મળે છે.