ચૂંટણી પંચે આંધ્રપ્રદેશના 4 જિલ્લામાં હટાવી આચારસંહિતા; કોલકાતામાં ભારે વરસાદ

Contact News Publisher

ફેની વાવાઝોડાંને કારણે ચૂંટણી પંચે આંધ્રપ્રદેશના ચાર જિલ્લા- પૂર્વ ગોદાવરી, વિશાખાપટ્ટનમ, વિજિયાનાગ્રામ અને શ્રીકાકુલમમાંથી આચારસંહિતા દૂર કરી છે. આ નિર્ણય રાહત કાર્યોમાં આવનારી સંભવિત અડચણોને કારણે લેવામાં આવ્યો છે. આ પહેલાં ફેની શુક્રવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યે ઓરિસ્સાના પુરી કાંઠે ટકરાયું હતું. અહીં હજારો વૃક્ષો અને થાંભલા પડી ગયા છે. તે ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે અનેક મકાનોને નુકસાન થયું છે. આમ, ઓરિસ્સામાં ભયંકર નુકસાન કરીને ફેની બંગાળ તરફ આગળ વધ્યું છે. ફેનીની અસરથી કોલકાતામાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની બે દિવસની તમામ ચૂંટણી સભાઓ રદ કરી દીધી છે.બીજી બાજુ ચક્રવાતની અસર ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી રહી છે. અંહી ચંદૌલીમાં ચક્રવાતના કારણે 4 લોકોના મોત થયા છે. આ માહિતી યુપી સીએમઓના ટ્વિટર હેન્ડલ પરથી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ બંગાળ થઈ બાંગ્લાદેશ તરફ આગળ વધશે એવામાં પશ્ચિમ બંગાળના કાંઠાના વિસ્તારોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ પહેલાં ઓરિસ્સામાં અગમચેતીના પગલાં રૂપે 15 જિલ્લામાંથી 11 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા. 20 વર્ષ બાદ ઓરિસ્સામાં ટકરાનારું આ સૌથી ખતરનાક વાનાઝોડું છે.

ઈમરજન્સી નંબર
ઓરિસ્સા- 06742534177, ગૃહ મંત્રાલય- 1938, સિક્યુરિટી- 182

 

વાવાઝોડું ઓડિશાથી પશ્ચિમ બંગાળ તરફ, 175 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો

ઓડિશામાં ફોની વાવાઝોડું દરિયાકિનારે ટકરાયું છે. આને પગલે NDRFની 28 અને ODRAFની 20 ટીમો બચાવ માટે તહેનાત કરવામાં આવી છે, 900 જેટલા રાહત કૅમ્પો ખોલી 11 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

વાવાઝોડાને પગલે રાજ્યના 15 જિલ્લાઓમાં અસર થશે, પશ્ચિમ બંગાળમાં પણ અસર થવાની શક્યતા છે. ટ્રેન અને ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરાઈ છે.

આ વાવાઝોડાની ઓડિશાનાં 10,000 ગામો અને 52 શહેરો પર અસર થઈ રહી છે.

ઉત્તર પ્રદેશના ચંદોલીમાં વાવાઝોડાને લીધે 4 લોકોનાં મૃત્યુ થયાં હોવાની માહિતી મુખ્ય મંત્રીની કચેરીના સત્તાવાર ટ્ટિટર પર આપવામાં આવી છે.

આ દરમિયાન પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ચૂંટણી રેલીઓ રદ કરી છે. તેઓ પરિસ્થિતિના આકલન માટે ખડગપુર રહેશે.

હવામાન વિભાગ તરફથી આ અંગે દર કલાકે રિપોર્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે.

કોલકાતા એરપોર્ટ બંધ કરવામાં આવી રહ્યું છે. રેલવે તંત્ર દ્વારા 100 જેટલી ટ્રેન તકેદારીના ભાગરૂપે રદ કરવામાં આવી છે.

ભારતીય નેવીનું પી-81 ડ્રોનિયર ફોની વાવાઝોડાના નુકસાનના બપોર પછી એરિયલ સરવે કરશે.

લાખો લોકોનું સ્થળાંતર

વાવાઝોડાને લઈને આંધ્ર પ્રદેશ અને તામિલનાડુને પણ હાઈઍલર્ટ કરાયાં છે.

વાવાઝોડાને કારણે 10,00,000 જેટલાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાવાઝોડું પુરીના દરિયાકાંઠે જમીન સાથે સંપર્કમાં આવ્યું છે તે શહેરમાં આશરે 1,00,000 લોકો રહે છે.

પુરીમાં 858 વર્ષ જૂનું જગન્નાથનું મંદિર પણ આવેલું છે. અધિકારીઓને એવો પણ ડર છે કે વાવાઝોડાને કારણે કદાચ મંદિરને નુકસાન થઈ શકે છે.

રાજ્યમાં તમામ શાળાઓ અને કૉલેજો બંધ કરી દેવામાં આવી છે.

ભારતીય નેવીના જણાવ્યા પ્રમાણે તેમણે સાત યુદ્ધજહાજો મોકલ્યાં છે અને છ પ્લેન તથા સાત હેલિકૉપ્ટરને રાહતકાર્ય માટે તૈયાર રખાયાં છે.

ઓડિશામાં વાવાઝોડા પહેલાંની તૈયારી

હવામાન વિભાગનું અનુમાન છે કે તોફાનને કારણે ઓડિશામાં આગામી 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. હાલ કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે.

અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે, ઍરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી દેવાઈ છે.

ઓડિશાની સરકાર દ્વારા એક પણ જાનહાનિ ન થાય તે લક્ષ્‍ય સાથે રાજ્યના 480 કિલોમિટર લાંબા દરિયાકિનારા પર કાચા મકાનમાં રહેનારા લાખો લોકોનું સ્થળાંતર કરાયું છે.

જોકે, અનેક લોકો પોતાનાં મકાનો છોડીને જવા માટે તૈયાર થયાં નથી. રાત સુધી લોકોને સમજાવીને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.

વિશેષ રાહત અધિકારી વિષ્ણુપદ સેઠીએ ગુરુવારે જણાવ્યું કે સ્થળાંતર કરાયેલા લોકોને વાવાઝોડા માટે બનાવેલા 900 જેટલા રાહતકૅમ્પોમાં આશરો આપવામાં આવ્યો છે.

તેમણે કહ્યું, “દરેક કૅમ્પમાં પીવાનું પાણી, ખાદ્યસામગ્રી અને અન્ય જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ત્યાં સ્વયંસેવકો પણ ખડેપગે રહેશે.”

વાવાઝોડાને કારણે થનારા નુકસાન અને રસ્તા, વીજળી અને સંચારને ફરીથી શરૂ કરવા માટે રાજ્યમાં નેશનલ ડિઝાસ્ટર ફોર્સ (એનડીઆરએફ)ની 28 ટીમો અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ ઍક્શન ફોર્સ(ઓડીઆરએએફ)ની 20 ટીમોને તહેનાત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *