એક સમયે કરાચીથી મુંબઈનો ટપાલવ્યવહાર કચ્છ માર્ગે કરાતો !

Contact News Publisher

માનવસંબંધોમાં સંદેશવ્યવહારનું ખૂબ જ મહત્વ છે. માનવજાતિના ઉદયકાળથી જ સંદેશવ્યવહારની જરૂરિયાત લાગતી રહી છે અને એક યા બીજું માધ્યમ સંદેશવ્યવહાર માટે શોધાતું રહ્યું છે. દક્ષિણ ભારતની દ્રવિડ પ્રજા પ્રાચીનકાળમાં પથ્થર પર યા ઝાડનાં પાંદડાં પર ચોક્કસ ચિહ્નો અંકિત કરીને સંદેશાઓની આપ-લે કરતી. વર્તમાન ટપાલવ્યવહારનાં મૂળ કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ અઢી હજાર વર્ષથી વધુ સમય પહેલાં ભારતમાં નખાયાં હતાં. સમ્રાટ અશોક સંદેશાવાહક તરીકે કબૂતરોનો ઉપયોગ કરતો. ચોક્કસ સ્થળોએ પહોંચવાની તાલીમ પામેલાં કબૂતરોને એમના પગમાં પહેરાવેલી વીંટીમાં નાના કદનાં પત્રો લટકાવી દેવામાં આવતાં.

અહીં નોંધનીય બાબત એ છે કે કરાચીથી મુંબઈના ટપાલવ્યવહારમાં કચ્છનું મહત્વ હતું. કરાચીથી મુંબઈ જતી ટપાલને છ સ્થળોએ બદલી કરવી પડતી. કરાચીથી પહેલા ઠઠા (નગર ઠઠા), ત્યાંથી કચ્છનું લખપત, ત્યાંથી કચ્છનું પાટનગર ભુજ, ત્યાંથી અમદાવાદ અને પછી મુંબઈ ટપાલ જઈ શકતી. મોટા ભાગનાં આ ટપાલમથકો ‘હલકારા’ઓનો ઉપયોગ કરતા. દર છ-સાત માઇલે હલકારા બદલાતા જતા હતા.

પણ કરાચીનો આ હવાલો ઈસવી સન ૧૮૮પમાં મુંબઈની પોસ્ટ ઑફિસને સોંપાયો. ભુજ ખાતેની પોસ્ટલ સુપરિન્ટેન્ડેન્ટની કચેરીમાં રખાયેલા દફતરમાં નોંધ છે કે જ્યાં સુધી કચ્છ રાજ્યમાં બ્રિટિશ રેસિડન્ટનું મથક હતું ત્યાં સુધી કચ્છને માટે અલગ પોસ્ટલ ડિવિઝન હતું. ઈસવી સન ૧૯ર૭માં રેસિડન્સી નાબૂદ થવાની સાથે કચ્છનું રાજકીય મહત્વ ઘટી ગયું અને કચ્છને રાજકોટ ડિવિઝન નીચે મૂકી દેવાયું હતું. આઝાદી બાદ ૧૯૬૧ની ૧ નવેમ્બરથી કચ્છનું અલગ ટપાલ ડિવિઝન શરૂ થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *