…ત્યારે મુંબઈના ગાર્મેન્ટના કચ્છી વેપારીઓનો મંત્ર, ચાલો કચ્છ

Contact News Publisher

ભારતનું કોરોનાનું સૌથી મોટું સંકટ મુંબઈમાં હોવાથી બે મહિનાથી અહીં તમામ પ્રકારનાં કામકાજ બંધ હોવાથી મોટી સંખ્યામાં લોકો શહેર છોડીને જઈ રહ્યા હોવાનું છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહ્યું છે. માત્ર પરપ્રાંતીય મજૂરો જ નહીં, નાની-મોટી કંપનીના માલિકો પણ મુંબઈમાં આગામી ૬-૮ મહિના કામકાજ ચાલુ થવાની શક્યતા ન હોવાથી ગામભેગા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અહીં વર્ષોથી ગાર્મેન્ટનો બિઝેનસ કરી રહેલા કચ્છી વેપારીઓએ મુંબઈમાંથી કાયમી ઉચાળા ભરવાની તૈયારી આરંભી દીધી હોવાનું જાણવા મળ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર કરવા લોકલ બિઝનેસને પ્રોત્સાહન આપવાની વાત કરી છે ત્યારે ગાર્મેન્ટના કચ્છી વેપારીઓની પહેલની ભારે ચર્ચા મુંબઈભરમાં ચાલી રહી છે.

આ વેપારીઓએ કચ્છમાં બિઝનેસ પાર્ક (ગાર્મેન્ટ ઝોન) બનાવવા માટે કચ્છના મુંબઈમાં કામકાજ કરતા વેપારીને જોડાવા માટેનાં ઑનલાઇન ફૉર્મ ભરવાની શરૂઆત કરી છે, જેમાં અત્યાર સુધી ૭૦૦ વેપારીઓએ રસ દાખવ્યો છે. એક અંદાજ મુજબ મુંબઈમાં માત્ર કચ્છના જ ૨૦૦૦ જેટલા વેપારીઓ ગાર્મેન્ટ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. આ કચ્છ બિઝનેસ પાર્ક સામખિયાળી અને ભચાઉની વચ્ચેના હાઇવે પર ૬૦થી ૭૦ એકર જમીન પર બનાવવાની યોજના તૈયાર થઈ રહી છે. અહીં ૧૦૦૦થી ૨૦૦૦ ફુટના મૅન્યુફૅક્ચરિંગ શરૂ કરી શકાય એવા યુનિટ બનાવાશે.

વતનમાં કચ્છ બિઝનેસ પાર્ક (ગાર્મેન્ટ ઝોન) બનાવવાની યોજના વિશે ગાર્મેન્ટ્સ મૅન્યુફૅક્ચરિંગ-વર્કર વેલ્ફેર અસોસિએશન (સાંતાક્રુઝ)ના પ્રમુખ તથા એપેક્સ લેડીઝ વેરના માલિક અનિલ ગામીએ કહ્યું હતું કે ‘કોરોનાને કારણે બે મહિનાથી કામકાજ બંધ છે, કારીગરો નથી અને આગામી ૬-૮ મહિના નવાં કામકાજ શરૂ થવાની કોઈ શક્યતા અત્યારે દેખાતી નથી. ગાર્મેન્ટ્સના બિઝનેસ સાથે મોટા ભાગના કચ્છના વાગડ વિસ્તારના વેપારીઓ સંકળાયેલા છે. મોટા ભાગનાઓ પાસે વતનમાં જમીનો છે, હવે ત્યાં નર્મદાનું પાણી આવવાથી તમામ પ્રકારની સુવિધા છે. બીજું, ગાર્મેન્ટ-ઇન્ડસ્ટ્રી ધીમે-ધીમે ઑનલાઇન ઑર્ડરથી ચાલવા માંડી હોવાથી મુંબઈ કરતાં વતનમાં મૅન્યુફૅક્ચરિંગ ઘણું સસ્તું પડે એ વિચારથી અમે અહીંથી કાયમી ધોરણે વતનમાં કચ્છ બિઝનેસ પાર્ક ઊભો કરવાની વિચારણા કરી છે.’
દાદરમાં ૩૦ વર્ષથી લેડીઝ ગાર્મેન્ટ્સનું મૅન્યુફૅક્ચરિંગ કરી રહેલા સ્ટુડિયો એલસીએક્સ ફૅશન પ્રાઇવેટ લિમિટેડના અશ્વિન મહેતાએ કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર દેશને જ નહીં, દેશના દરેક પ્રાંતને આત્મનિર્ભર કરવાની વાત કરી છે. કચ્છમાં બિઝનેસ પાર્ક બનાવવાની યોજનામાં અમે પણ નામ નોંધાવ્યું છે. પહેલાંના સમયમાં રૂપિયા અને સુવિધા નહોતી એટલે વતન છોડીને મુંબઈ આવવું પડ્યું હતું. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તમામ સુવિધા ગામમાં મળી રહેતી હોય તો ચોક્કસપણે માત્ર ગાર્મેન્ટ જ નહીં, અન્ય વ્યવસાયીઓએ પણ મોટા શહેરને બદલે નાનાં સેન્ટર શરૂ કરી પોતાના વતનમાં કામકાજ શરૂ કરવાં જોઈએ.

કચ્છ બિઝનેસ પાર્કમાં સુવિધા-સગવડ
૧. ગાર્મેન્ટ મૅન્યુફૅક્ચરરોને એક જ ઝોનમાં તમામ સુવિધા મળી હશે.
૨. કચ્છ વાગડ, ગામ, સમાજ, સંપત્તિનું જતન અને વિકાસ કરી શકીએ.
૩. ૧૫થી ૨૦ હજાર ભાઈ-બહેનોને ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ રોજગાર
૪. નાના વેપારીઓને મોટું પ્લૅટફૉર્મ, વેચાણ અને ખરીદીમાં મદદ મળશે
૫. અમદાવાદ-સુરતમાં ગાર્મેન્ટનું ફૅબ્રિક બનતું હોવાથી મેક ઇન ઇન્ડિયા-માર્કેટમાં મજબૂત સ્પર્ધા થઈ શકશે
૬. અમદાવાદ ઇન્ટરનૅશનલ તથા કંડલા અને ભુજ ઍરપોર્ટની સુવિધા
૭. ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરવા કંડલા-મુંદ્રા પોર્ટની સુવિધા
૮. વેચાણ માટે હોલસેલ ઑનલાઇન માર્કેટ
૯. બહારના ગ્રાહકો માટે પિક-અપ અને ડ્રૉપની સાથે રહેવા-જમવાની સુવિધા હશે
૧૦. ટેલરિંગ મટીરિયલ, ઍક્સેસરીઝ, ડાઇંગ, પ્રિન્ટિંગ, વૉશિંગ, એમ્બ્રૉઇડરી સહિતની સુવિધા
૧૧. ગાર્મેન્ટના કારીગરોને માટે તાલીમ-કેન્દ્ર
૧૨. બહારના કારીગરો માટે રહેવા-જમવાની સુવિધા
૧૩. ઝોનમાં ૧૦૦૦થી ૨૦૦૦ ફુટના યુનિટ બનાવાશે
૧૪. દેશના મધ્યમાં હોવાથી રોડ, રેલ અને ઍરપોર્ટની કનેક્ટિવિટી
૧૫. પાર્કમાં ગાર્મેન્ટની સાથે ક્લોધિંગ પ્રોડક્ટ, ફાર્મિંગ પ્રોડક્ટ અને ડેરી પ્રોડક્ટને પણ સામેલ કરાશે.

1 thought on “…ત્યારે મુંબઈના ગાર્મેન્ટના કચ્છી વેપારીઓનો મંત્ર, ચાલો કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *