બનાસકાંઠામાં મૃતકના નામે કોઈએ બાઈક લોન લઈ લેતા પરિવારજનો અચંબામાં

Contact News Publisher

લો હવે… બનાસકાંઠામાં મૃતકના નામે બાઈક લોન થઈ ગઈ. મૃતકના ઘરે બાઈકની આરસી બુક પહોંચતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. વાત વિગતે કરીએ તો ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં ઝવેરી નગર સ્કૂલની પાછળ રહેતા પ્રકાશજી શાંતિજી ઠાકોર તા 23 ડિસેમ્બર 2023ના રોજ મૃત્યુ પામ્યા હતાં. જેમની મરણ નોંધણી પરિવારે કરાવી દીધી હતી.

મૃત વ્યક્તિના નામે લોન
આપને જણાવીએ કે, મૃત્યુના બે માસ બાદ કોઇ અજાણ્યા શખ્સે તેમના નામના ખોટા આધાર પુરાવા રજુ કરી મહિન્દ્રા કોટક પ્રાઈમ લિ.માંથી લોન મેળવી લીધી હતી. સાથો સાથ ટીવીએસ કંપનીનું બાઈક પણ ખરીદી લીધું હતું. જો કે, મૃતકના ઘરે બાઈકની આરસી બુક આવતા જ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.

પોલીસ ફરિયાદ કરાઈ
આરસી બુકમા પાંચ ફેબ્રુઆરી 2024ના રોજ રજીસ્ટ્રેશન કરાવેલ હોવાનું અને બાઈકનું નંબર GJ 08 DF 0808 નંબર હોવાનું જાણ મળ્યું હતું. જે બુક ઘરે આવતા જ મૃતકના પત્ની વર્ષાબેન પ્રકાશજી ઠાકોર તેમના પિતા સાથે બેંકમાં અને શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચી લેખિત ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે અત્યારે જીવતા માણસને પણ લોન લેવા માટે બેંકના ધક્કાઓ ખાવા પડે છે ત્યારે મૃતકના નામે કઈ રીતે લોન થઈ તે અંગે બેંકના કર્મચારીઓની કામગીરી સામે પણ શંકા ભર્યા સવાલો ઉઠી રહ્યા છે.