હવે કચ્છનો ખાલીસ્તાનના નકશામાં સમાવેશ

Contact News Publisher

જેમ જેમ સરહદ પણ તણાવ વધ્યો છે તેમ તેમ ચીન હવે પ્રોક્સી વોર દ્વારા ભારતને ભીંસમાં લેવા માંગે છે. ભારતના પડોશી દેશ નેપાળ પછી પાકિસ્તાન દ્વારા પોતાના નકશાઓમાં ભારતનો વિસ્તાર દર્શાવાયા બાદ હવે ભારત વિરોધી આતંકવાદી સંગઠનોને ઉત્તેજન અપાઈ રહ્યું છે. પૂર્વોત્તર રાજ્યોમાં નક્સલવાદી પ્રવૃત્તિને અપાતા ઉત્તેજન પાછળ ચીન અને કાશ્મીરમાં પાકિસ્તાનનો હાથ છે. હવે શીખ ઉગ્રવાદી સંગઠન ખાલીસ્તાન દ્વારા એક નકશો બહાર પાડવામાં આવ્યો છે. અલગ ખાલીસ્તાન માટેની માંગ સાથેની શીખ ઉગ્રવાદી જૂની ચળવળને ફરી સક્રીય કરી કેનેડા અને જર્મનીમાં ભૂગર્ભમાં રહી અલગ ખાલીસ્તાનની લડત ચલાવાઈ રહી છે.

આ સંગઠનોએ ખાલીસ્તાનના બહાર પાડેલા નકશામાં કચ્છ જિલ્લા ઉપરાંત બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અમુક વિસ્તારનો સમાવેશ કરાયો છે. જોકે, આથી અગાઉ પણ ખાલીસ્તાની ઉગ્રવાદીઓ કચ્છનો સમાવેશ અલગ ખાલીસ્તાનના નકશામાં કરી ચુક્યા છે. પણ, હવે ગુજરાતના અન્ય વિસ્તારોનો સમાવેશ કરાયો છે. તાજેતરમાં જ પાકિસ્તાન સરકાર દ્વારા નાનકા સાહિબ ગુરુદ્વારાના કરાયેલા ઉદ્દઘાટન કાર્યક્રમમાં ખાલીસ્તાની નેતાઓની હાજરી ચર્ચાનો વિષય બની હતી. શીખ ઉગ્રવાદીઓના બબ્બર ખાલસા જેવા સંગઠનો પણ આ ખાલીસ્તાની નક્શાને મહત્વ આપી રહ્યા છે. જોકે, વધુ ચોંકાવનારી વાત એ છે કે, ગુજરાતના જે વિસ્તારોનો ખાલીસ્તાનના નકશામાં સમાવેશ કરાયો છે, ત્યાં શીખ સમાજની વસ્તી વધુ હોવાનો અને શીખ સમાજની પકડ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેએ આ સમગ્ર બાબતને વધુ ગંભીરતા સાથે લેવાની જરૂરત છે. અત્યારે તો આવી લડત વેબસાઈટો દ્વારા ચલાવાય છે પણ ધીરે ધીરે ઉશ્કેરણી પણ થઈ શકે છે. શાંત ગણાતા ગુજરાતના આદિવાસી પટ્ટામાં નક્સલવાદી પ્રવૃતિઓનું કારસ્તાન બહાર આવી ચૂક્યું છે. તો, પંજાબ પછી ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરફેર કરવાની પ્રવૃત્તિમાં પણ ભારે ઉછાળો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News