ISIનું કચ્છ કનેકશન : સંવેદનશીલ વિગતો સાથે એક ઝડપાયો

Contact News Publisher

પાકિસ્તાનને અડકીને આવેલા સરહદી કચ્છના તાર વધુ એકવાર આઈએસઆઈના નામે ઓળખાતી પાકિસ્તાની જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ સાથે જોડાયાં હોવાનો નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની તપાસમાં ઘટસ્ફોટ થતાં ચકચાર પ્રસરી છે.

ગત 19 જાન્યુઆરીએ વારાણસીમાંથી પકડાયેલાં આઈએસઆઈ એજન્ટ મોહમ્મદ રાશિદ ઈદ્રીશના ખાતામાં પેટીએમ મારફતે જમા થયેલાં 5 હજાર રૂપિયાની તપાસમાં આ નાણાં મુંદરાના કુંભારવાસમાં રહેતાં રજાક સુમાર કુંભારે જમા કરાવ્યાં હોવાનો પર્દાફાશ થયો છે.

આ અંગે એનઆઈએએ જણાવ્યું છે કે ત્રાસવાદી સંગઠનની સૂચનાના પગલે રજાક કુંભારે પેટીએમ મારફતે રીઝવાન નામના શખ્સના ખાતામાં 5 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. આ નાણાં રીઝવાને રાશિદને આપ્યા હતા. એનઆઈએ રજાક કુંભારના ઘરની તલાશી લઈ કેટલાંક સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કર્યાં છે. રજાક કુંભારે પાકિસ્તાની યુવતી જોડે નિકાહ કરેલા છે. અગાઉ તે પાકિસ્તાન ગયો ત્યારે તે પાકિસ્તાની જાસૂસી એજન્સીના હેન્ડલરના સંપર્કમાં આવ્યો હોવાની શક્યતા છે. તેની પત્ની હાલ પાકિસ્તાનમાં છે. રજાક કેટલાં સમયથી આઈએસઆઈ માટે કામ કરતો હતો, કચ્છમાં અન્ય કોઈ એજન્ટો કામ કરે છે કે કેમ તે સહિતના મુદ્દે હાલ સઘન પૂછતાછ ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશ સ્થિત ત્રાસવાદ વિરોધી દળ અને મિલિટરી ઈન્ટેલિજન્સે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગત 19 જાન્યુઆરીના રોજ વારાણસીમાંથી મોહમ્મદ રાશિદ ઈદ્રીશ નામના 23 વર્ષિય યુવકની ધરપકડ કરી હતી. મૂળ ચંદોલીના મુગલસરાઈના રહેવાસી રાશિદના સંબંધી પાકિસ્તાનમાં રહેતાં હોઈ લગ્નપ્રસંગે તે 2017 અને 2018માં પાકિસ્તાન ગયો હતો. ત્યાં તે આઈએસઆઈ હેન્ડલરના સંપર્કમાં આવ્યો હતો.
નાણાંની લાલચમાં રાશિદે આઈએસઆઈ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે વારાણસીના વિવિધ ઘાટ, મહત્વના મંદિરો, રેલવે સ્ટેશન, લખનૌના વિવિધ વ્યૂહાત્મક સ્થળો, મિર્ઝાપુર અને સોનભદ્ર જેવા નક્સલાઈટ એરીયામાં આવેલા સીઆરપીએફ કેમ્પ વગેરેની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ વોટસએપ મારફતે સામે પાર શેર કર્યાં હતા.

ધોરણ 8મું પાસ રાશિદ ફોનથી અવારનવાર પાકિસ્તાનના સંપર્કમાં રહેતો હોઈ એજન્સીઓના સર્વેલન્સમાં આવી ગયો હતો.ગત જૂલાઈ 2019માં તેના ખાતામાં 5 હજાર રૂપિયા જમા થયા હતા. આ નાણાંકીય વ્યવહારની તપાસના તાર મુંદરાના રજાક સુધી લંબાયાં છે. ઘટનાની ગંભીરતા જોતાં છઠ્ઠી એપ્રિલ 2020નાં રોજ એનઆઈએ આ કેસની તપાસ હસ્તગત કરી નવેસરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. રજાકની હાથ ધરવામાં આવેલી પુછપરછમાં વધુ ગંભીર ઘટસ્ફોટ થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *