કચ્છમાં નવી શાળાઓને મંજૂરી સામે ૧૯૦૦ શિક્ષકની ઘટ

Contact News Publisher

કચ્છમાં અનેક ગામોમાં સરકાર દ્વારા નવી શાળાઓ શરૂ કરવા મંજૂરી અપાઈ છે. પરંતુ આ શાળાની પાયાની જરૂરિયાત એવા શિક્ષકોની અંદાજે ૧૯૦૦ થી વધુ જગ્યા ખાલી પડી છે ત્યારે આ જગ્યાઓ ભરવા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રસ દાખવે તેવો સૂર પણ ઉઠી રહ્યો છે.

જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા ગામના આગેવાનોથી માંડી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવતી રહી છે તેમ તંત્ર નવી શાળાઓને મંજૂરી પણ આપે છે. અને નવી શાળાઓ માળખાકીય સુવિધા સાથે બની પણ જાય છે. પરંતુ આવી શાળા માટે પાયાની મુખ્ય જરૂરિયાત એવા શિક્ષકોની જ ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી નવી શાળાનો અર્થ સરતો નથી. જિલ્લામાં અંદાજે 1704 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમા લાંબા સમયથી 1400 જેટલી શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. જો કે, ગત વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યાના કારણે 40 જેટલી શાળા આસપાસની શાળામાં મર્જ પણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવી જ રીતે જિલ્લામાં 181 સરકારી અને 95 ગ્ર્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળ કાર્યરત છે. જે પૈકી તાજેતરમાં 25 નવી શાળા શરૂ કરવા રાજ્યના શિક્ષણ તંત્ર દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી પણ આપવામાં આવી છે. ત્યારે આ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 565′ શિક્ષકની ઘટ છે. ગામના આગેવાનો કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ નવી શાળાઓ શરૂ કરવા તંત્ર સમક્ષ માંગ મૂકે છે, પરંતુ જિલ્લામાં મોટી સંખ્યામાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા ભરવા તંત્ર પર દબાણ કરાતું નથી, જેના કારણે માળખાકીય સુવિધા સાથે બનતી આવી શાળાઓને એકાદ-બે શિક્ષકોથી ગાડું ગબડાવવામાં આવે છે. બીજી તરફ હજુ પણ અનેક ગામોમાં નવી શાળા શરૂ કરવા લોક પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. પરંતુ નવી શાળા માટે વિદ્યાર્થીની સંખ્યા પણ પૂરતી હોવી જરૂરી છે. માત્ર માળખાકીય સુવિધા પ્રાપ્ત થાય તેનાથી કોઈ અર્થ સરતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *