શાળાઓ ખુલવાની શક્યતા ધુંધળી; ‘માસ પ્રમોશન’ ની વાતો શરૂ

Contact News Publisher

ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં આવેલા ઉછાળાબધ્ધ હવે રાજ્ય સરકાર શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરે તેવું બહુ લાગી રહ્યું નથી. અગાઉ તા.23 નવેમ્બરથી સ્કુલ ખોલવા સરકારે જાહેરાત કરી હતી પરંતુ હવેના સંજોગોમાં તો આગામી શૈક્ષણિક સત્ર સુધી વિદ્યાર્થીઓ માટે સ્કુલ બિલ્ડીંગ ખુલે તેવી શક્યતા ઓછી થતી જાય છે. આ શૈક્ષણિક વર્ષ મોટા ભાગે શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન જ રહેશે તેવું તારણ નીકળ્યું છે.

અન્ય એક મહત્વની બાબતમાં બોર્ડ સિવાયના નીચેના ધોરણના વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર માસ પ્રમોશન આપે તેવી વિચારણા પણ સરકાર કક્ષાએ ખુબ જ પ્રાથમિક તબકકે શરૂ થઇ છે. ધો.10-12ની પરીક્ષા અગાઉ જ મોડી કરવા જાહેરાત થઇ ચુકી છે ત્યારે પ્રાથમિક સહિતના નીચા ધોરણના વિદ્યાર્થીઓનું વર્ષ આમ પણ ઘરે ભણીને જ પસાર થયું છે. ગુજરાતના મહાનગરો તથા અન્ય વિસ્તારોમાં પણ કોરોનાના નવા નવા રાઉન્ડ આવતા જાય છે. શિક્ષણ વિભાગના વર્તુળોએ કહ્યું હતું કે કોવિડ-19ના કેસમાં પુરા રાજ્યમાં ઉછાળો આવ્યો છે. આથી રાજ્ય સરકાર ચાલુ શૈક્ષણિક સત્રમાં શાળાઓ ખોલે તે બહુ દૂરની વાત છે.

બીજી તરફ કોલેજો અને યુનિવર્સિટીમાં શૈક્ષણિક સત્ર શરૂ કરવા મામલે હજુ સરકાર અવઢવમાં છે. ડિસેમ્બરના અંત સુધીની સ્થિતિની રાજ્ય સરકાર રાહ જોવા માંગે છે. છેલ્લા ત્રણ દિવસમાં કોવિડના કેસમાં ખુબ સામાન્ય ઘટાડો આવ્યો છે પરંતુ અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 50 હજારને વટાવી ગયો છે. જે પુરા રાજ્યના 24 ટકા છે. અમુક જીલ્લાના તાલુકા મથકોએ પણ કોરોનાના કેસમાં વધઘટ થઇ રહી છે. આ સ્થિતિમાં દિવાળી પૂર્વેની સ્થિતિ આવતા હજુ 6 અઠવાડિયા નીકળી જાય તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. સુત્રોએ જણાવ્યું હતું કે ચાલુ શૈક્ષણિક વર્ષ પુરું થાય ત્યાં સુધીમાં કોરોના કાબુમાં આવી જાય તેવી મજબૂત આશા હાલ ઉભી થઇ નથી. ત્યાં સુધીમાં કોરોના વેક્સિન લોકો સુધી પહોંચે તેવું ચિત્ર પણ હાલ દેખાતું નથી. આથી આગામી શૈક્ષણિક સત્ર સુધી શાળાઓ ખોલવી હિતાવહ પણ નથી. 2021ના ઉનાળુ વેકેશન બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઇ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *