કચ્છમાં શ્રીકાર વરસાદ છતાં ભર શિયાળે કચ્છભરમાં પીવાના પાણીની કમઠાણ

Contact News Publisher

કચ્છમાં ચોમાસે શ્રીકાર વરસાદ પડ્યા છતાં સર્વત્ર પીવાના પાણીની કમઠાણ સર્જાઇ હોવાની રાવ વચ્ચે તાજેતરમાં મળેલી સંકલનની બેઠકમાં આ મુદ્દો વધુ ચગ્યો હતો, તેવામાં ઉનાળામાં પાણીની અછત ન સર્જાય તે માટે જિલ્લા સમાહર્તાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં જિલ્લામાં પાણીની સમસ્યાનો નિવેડો લાવવા માટે અધિકારી, પદાધિકારીઓએ વિચાર-વિમર્શ કર્યો હતો. જિલ્લામાં સારા વરસાદના પગલે તળાવો છલકાઇ ગયા છે તેમ છતાં ભર શિયાળે સર્વત્ર પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે ત્યારે ઉનાળામાં પાણીની શું સ્થિતિ હશે તે તો આવનારો સમય બતાવશે. ઉનાળામાં જિલ્લા મથક ભુજ, ગાંધીધામ, છેવાડાના લખપત, અબડાસા તાલુકા સહિત સમગ્ર કચ્છમાં પાણીનો પ્રશ્ન વધુ વિકટ બને છે. તાજેતરમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં પાણીનો મુદ્દો ચર્ચાયા બાદ બુધવારે કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ભુજ અને ગાંધીધામમાં પાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ વચ્ચેની પાણીના વિતરણમાં વધઘટની તકરારનું સમાધાન કરવામાં આવ્યું હતું.

ભુજ અને ગાંધીધામમાં પાણી વિતરણ વ્યવસ્થા વગેરે પર સંબંધિત પ્રાંત અધિકારીઓ દ્વારા એક મહિના સુધી મોનિટરીંગ કરવામાં આવશે. બેઠકમાં જિલ્લામાં પાણીની તંગી નિવારવા માટે મનોમંથન કરાયું હતું. આ તકે પાણી પુરવઠા વિભાગમાં પૂરતા પ્રમાણ સ્ટાફ જ નથી તેવો પ્રશ્ન સંબંધિત અધિકારી દ્વારા કરાયો હતો, જેના જવાબમાં સાંસદ અને કલેક્ટરે સ્ટાફ ઘટ નિવારવા ઉપરી કક્ષાએ રજૂઆત કરાશે તેવી હૈયાધારણા આપી હતી. બેઠકમાં ભુજના ધારાસભ્ય, સાંસદ, ભુજ, ગાંધીધામના પ્રાંત અધિકારી, પાણી પુરવઠા, નગરપાલિકાના કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા.

1 thought on “કચ્છમાં શ્રીકાર વરસાદ છતાં ભર શિયાળે કચ્છભરમાં પીવાના પાણીની કમઠાણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *