હવે રેલવે સ્ટેશનમાં કોઇને લેવા જશો તો ભારે દંડ ભોગવવો પડશે !!!

Contact News Publisher

કોરોના મહામારી બાદ રેલવે પ્રશાસને ધીમે-ધીમે જુદા-જુદા રૂટની ટ્રેનો શરૂ કરી છે, તેવામાં આજે સવારે રાજસ્થાન બાજુથી અહીં પરત આવેલા એક મહિલા અને તેમના પતિને રેલવે તંત્રના કર્મચારીઓનો કડવો અનુભવ થયો હતો.

આ શહેરમાં રહેતા એક મહિલા આજે સવારે બરેલી ટ્રેનમાં રાજસ્થાનથી અહીં આવી પહોંચ્યા હતા. આ મહિલાને હાથમાં તકલીફ હોવાથી તબીબોએ સામાન ઊંચકવાની મનાઇ કરી છે. પરિણામે આ મહિલાએ પોતાના પતિને ફોન કરીને રેલવેમથકે બોલાવ્યા હતા. આ યુવાન પ્લેટફોર્મ ટિકિટ લેવા જતાં તે કોરોનાને કારણે અપાઇ નહોતી. બાદમાં યુવાન પોતાની પત્ની પાસે રહેલો સામાન ઊંચકવા પ્લેટફોર્મ ઉપર ચાલ્યો ગયો હતો. આ દંપતી પરત આવી રહ્યું હતું ત્યારે રેલવે તંત્રના કર્મીઓએ તેમને અટકાવ્યા હતા. મહિલા પાસે ટિકિટ હતી, પરંતુ યુવાન પાસે પ્લેટફોર્મ કે અન્ય કોઇ ટિકિટ નહોતી. જેથી તેને રૂા. 3600 ભરવા જણાવાયું હતું. ભોગ બનનારા આ યુવાને પોતાની આપવીતી વર્ણવી હતી છતાં સરકારી બાબુઓ માન્યા નહોતા અને પોલીસ બોલાવાઇ હતી. લાંબી રકઝકના અંતે રેલવે સ્ટેશન માસ્ટર સુધી આ વાત પહોંચી હતી. આવામાં રેલવેના કર્મચારીઓએ મહિલાની હાજરીમાં ગાળાગાળી કરી હતી તેવા આક્ષેપ ભોગ બનનારા પરિવારના લોકોએ કર્યા હતા. રકઝકના અંતે આ યુવાનને અમદાવાદથી ગાંધીધામ સુધી ગેરકાયદેસર મુસાફરી કરી હોવાનું માની લઇને રૂા. 400નો દંડ કરવામાં આવ્યો હતો, જે મુસાફરી આ યુવાને કરી જ નહોતી. હાથથી પીડાતા મહિલા અને તેમના પતિને ખોટી રીતે હેરાન કરાયા હોવાના આક્ષેપ પણ કરાયા હતા. આ અંગે સ્ટેશન માસ્ટરે જણાવ્યું હતું કે, કોઇ ટ્રેન આવે અને કોઇ વ્યક્તિ પ્લેટફોર્મ કે જે-તે ટ્રેનની ટિકિટ વગર પકડાય તો તેની પાસેથી ટ્રેનના રૂટ મુજબનો દંડ વસૂલ કરવામાં આવે છે. એટલે આ કિસ્સામાં બરેલીથી ગાંધીધામનું ભાડું રૂા. 3200 લેવાનું કહેવાયું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News