કચ્છમાં કર્ફ્યૂભંગના ૫૦ કેસ, માત્ર ભુજમાં ૨૦ લોકો દંડયા

Contact News Publisher

જિલ્લાના આર્થિક પાટનગર એવા આ શહેરમાં ગઇકાલે રાત્રે 8 વાગ્યાથી કર્ફ્યૂ જાહેર કરાયા બાદ રેસ્ટોરેન્ટ, દુકાન ખુલ્લી રાખનારા તથા વગર કામે ઘરેથી બહાર નીકળનારા અને સામાજિક અંતર ન જાળવનારા 50 જેટલા લોકો વિરુદ્ધ પોલીસે ગુના નોંધ્યા હતા. તો જિલ્લા મથક ભુજમાં 20 જણ સામે આવી કાર્યવાહી કરાઇ હતી. ગાંધીધામમાં માસ્ક ન પહેરનારાઓ પાસેથી રૂા. 34,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મામલતદાર અને પોલીસે આજે જુદા-જુદા મોલમાં જઇ સૂચના આપી હતી તેમજ રૂા. 26000નો દંડ લોકો પાસેથી વસૂલ કર્યો હતો. આ શહેર અને ભુજમાં કર્ફ્યૂ લદાયા બાદ બજારોમાં અમુક દુકાનો ખુલ્લી રહી હતી.

બંને જિલ્લાના પોલીસવડા ખુદ આ બધી દુકાનો બંધ કરાવવા સહિતની કાર્યવાહી માટે નીકળ્યા હતા અને જેમની દુકાનો કે રેસ્ટોરન્ટ ખુલ્લી હતી તેવા વેપારીઓને પકડી લેવામાં આવ્યા હતા તેમજ રાત્રે 8 વાગ્યા પછી કારણ વગર ઘરથી બહાર નીકળનારાઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. ગઇકાલે અમુક દુકાનો બહાર સામાજિક અંતર ન જળવાતા તેવા વેપારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંધીધામમાં 50 જેટલા લોકો વિરુદ્ધ પોલીસે જાહેરનામાં ભંગના ગુના દાખલ કર્યા હતા. તો ભુજમાં 20 જણ ઝપટે ચડયા હતા. બીજી બાજુ, ગાંધીધામમાં મોટા-મોટા મોલમાં સામાજિક અંતરના’ ધજાગરા ઉડયા હતા. આવા મોટા મોલમાં જવાની અને તપાસ કરવાની કોઇએ તસ્દી લીધી નહોતી. આવા મોલમાં મોડી સાંજ સુધી મેળા જેવો માહોલ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નાનાં વેપારીઓ સામે દંડો ઉગામતી પોલીસે આવા મોલના સંચાલકો સામે પણ આવી જ કાર્યવાહી કરવી જોઇએ તેવી ચર્ચા નાનાં વેપારીઓમાં સાંભળવા મળી હતી. કોરોનાની મહામારીમાં માસ્ક ન પહેરનારા પણ દંડાયા હતા. પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસે ગઇકાલે દિવસ દરમ્યાન આવા 15 લોકોને પકડી પાડી’ તેમની પાસેથી રૂા. 15,000નો દંડ વસૂલ કર્યો હતો તેમજ સિટી ટ્રાફિક પોલીસે આવા 19 લોકોને પકડી પાડી રૂા. 19,000નો દંડ ઉઘરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *