કચ્છના ભૂકંપ જેવી હાલત કોરોના સમયમાં થઇ છે, બાળકો બે-ઘર બની રહ્યાં છે

Contact News Publisher

કચ્છના ભૂકંપ સમયે અનાથ બનેલા બાળકોને દત્તક લેવા માટે જેવી પોલિસી બનાવવામાં આવી હતી તેવી પોલિસી કોરોના સંક્રમણ સમયે પણ બનાવવામાં આવે તેવી સંભાવના છે, કારણ કે ભૂકંપ્ની જેમ કોરોના મહામારીમાં પણ બાળકો માતા-પિતા વિનાના થઇ રહ્યાં છે. જો કે, કોરોના સંક્રમણ સમયમાં કેટલા બાળકો અનાથ છે તેની કોઇ માહિતી હજી રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ નથી.

મહામારીના સમયમાં બાળકોની સંભાળ માટે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન નક્કી કરીને પોલિસી બનાવવી જોઇએ તેવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા માગણી પણ થઇ રહી છે. અલબત્ત ગુજરાત સરકારે અનાથ અને નિરાધાર થયેલા બાળકો માટે પ્રતિ માસ 4000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. અનાથ બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી આ સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણય પ્રમાણે કોરોનામાં જીવ ગુમાવનારા માતા-પિતાના બાળકોને આ સહાય આપવાનું નક્કી કર્યું છે પરંતુ હજી તેની ચોક્કસ ગાઇડલાઇન નિયત થઇ નથી. આ જ પ્રમાણે 2001માં જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે બાળકોની સંભાળ માટે પોલિસી બનાવવામાં આવી હતી. એ સમયે રાજ્યમાં 2000થી વધુ બાળકો અનાથ અને નિરાધાર બની ગયા હતા. આ વખતે આવી કોઇ યોજના હજી સુધી જાહેર કરવામાં આવી નથી. કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે કોરોના ગ્રસ્ત માતા-પિતા કે જેઓ હોસ્પિટલમાં હોય તેવા કિસ્સામાં બાળકોને આશરો આપવામાં આવશે. વાલીઓ જ્યાં સુધી હોસ્પિટલમાં હોય ત્યાં સુધી બાળક બાળ સંરક્ષણ ગૃહમાં રહી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *