૨૩ દિ’ બાદ કચ્છમાં વેપાર-ધંધાના શ્રીગણેશઃ વેપારીઓમાં નવો ઉત્સાહ-રાહત

Contact News Publisher

ગુજરાત સરકારે મીની લોકડાઉનમાં આજથી છૂટછાટ જાહેર કરતા ૨૩ દિવસથી સુસ્ત પડેલા વેપાર-ધંધાને તેજીની આશા છે. રાજ્ય સરકારે ૨૭મી મે સુધી સવારે ૯ થી બપોરે ૩ સુધી દુકાનો ખોલવા આપેલ પરવાનગીને લઈને આજે સવારે વેપારીઓએ ઉત્સાહથી પોતપોતાની દુકાનો ઝાપટ-ઝુપટ કરી નવી આશા સાથે કામધંધાના શ્રીગણેશ કર્યા હતા. રાજ્ય સરકારે દુકાનો ખોલવા માટે આપેલી મંજુરીથી વેપારીઓમા રાહતની લાગણી ફેલાઈ છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા કેસો ઘટતા સરકારે ઉદ્યોગ-ધંધા અને વેપારીઓને મોટી રાહત આપી છે જે હેઠળ આજથી ઉદ્યોગ-ધંધા, લારી-ગલ્લા ખોલવાની શરતી મંજુરી આપી છે જે હેઠળ સવારે ૯ થી બપોરે ૩ સુધી કામ-ધંધા કરી શકાશે. રાજ્ય સરકારે આ છુટછાટ ૨૭મી સુધી આપી છે અને એવી પણ જાહેરાત કરી છે કે ૩૬ શહેરોમાં રાત્રી કર્ફયુ યથાવત રહેશે.
આજથી લારી-ગલ્લા, દુકાનોને ૬ કલાક સુધી વેપાર-ધંધા કરવાની છૂટ આપી છે. જો કે બપોરે ૩ વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. જો કે હજુ શૈક્ષણિક સંસ્થાઓ, કોચીંગ સેન્ટરો, સિનેમા, વોટર પાર્ક, બાગ-બગીચા, સ્વીમીંગ પૂલ બંધ રહેશે. જ્યારે આજથી પાનની દુકાનો, ચાની કિટલી, હેર સલુન, હાર્ડવેરની દુકાનો, ઈલેકટ્રોનીકની દુકાનો, વાસણ અને કપડાની દુકાનો, મોબાઈલની દુકાનો, હોલસેલ માર્કેટ વગેરે શરૂ થયા છે.

અર્થતંત્ર ફરીથી દોડતુ થાય તેવી આશાથી ઉદ્યોગ જગતમાં આજથી ફરી ધમધમાટ શરૂ થયો છે. અનેક વેપારી સંગઠનોએ દુકાનો-વેપાર ધંધા ફરી શરૂ કરવા માંગણી કરી હતી જેને ધ્યાને લઈ સરકારે છૂટછાટ આપી છે. આજે સવારે ૯ વાગ્યાથી વિવિધ દુકાનદારોએ જેમ દિવાળી પછી લાભપાંચમે કામધંધા શરૂ કરતા હોય તેમ આજથી વેપાર-ધંધા શરૂ કર્યા હતા. વેપારીઓએ છૂટછાટને આવકાર આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *