અબડાસા તાલુકામાં મેઘ મહેરથી રામ મોલનું મોડે મોડે વાવેતર

Contact News Publisher

પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકામાં મોડે મોડે પણ મેઘરાજાએ હેત વરસાવતા મગફળીના પાકને જીવતદાન મળ્યું છે. હવે ખેડૂતોએ રામમોલના નામે જુવાર, ગુવાર, એરંડાનું વાવેતર શરૂ કરી દીધું છે. જો કે, રામમોલની સીઝન તો વહેલી પુરી થઈ ગઈ પણ મોડે મોડે મેઘરાજાએ આ તાલુકા ઉપર મહેર કરતા ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે જુલાઈ માસમાં નજીવો વરસાદ વરસતા પ૦થી ૬૦ ગામોમાં જ વાવણી કાર્ય આરંભાયું હતું.

ખાસ તો મગફળીનું વિપુલ પ્રમાણમાં વાવેતર પૂર્ણ થયા પછી લાંબો સમય સુધી વરસાદના કારણે મગફળી, તલી જેવો પાક મુરઝાઈ રહ્યો હતો. પણ રાહ જોવડાવી જોડવીને કુદરતે મહેર કરતા વાવેતરને ટેકો મળ્યો છે. જો કે, હવે વાવાઝોડાના પગલે વરસાદ વરસે તો હાલ સારો પાક ઉતરવાની સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અબડાસામાં એક સાથે વધુ ગામમાં બિલકુલ વાવેતર થયું ન હતું, હવે મેઘરાજાએ કૃપા કરતા ધરતીપુત્રોને પણ આશા જાગી છે જો કે હજુ સિંચાઈના ડેમોમાં પુરતા નીર નથી આવ્યા તેમ છતાં ઓગષ્ટ પુરો થયા બાદ સપ્ટેમ્બરમાં વરૂણદેવ રીઝતા પશુધન માટે ઘાસની સમસ્યા હલ થશે સાથે ખેડૂતો પણ ખેતીના કામમાં જોતરાયા છે. તાલુકાના ગરડા વિસ્તારમાં રપથી ૩૦ ગામોની દસ હજાર એકર જેટલી જમીનમાં રામમોલનુ વાવેતર થયું ન હતું. હવે બીજા પાકની સીઝન વીતી ગઈ છે ત્યારે તાલુકાના વાયોર, વાગોઠ, ઉકીર, ફુલાય, વાડા પધ્ધર, નાની-મોટી ચપરેડી, બેર, અકરી, ગોયલા, હોથીવાંઢ, કરમટા, સારંગવાળા સહિતના ગામડાઓમાં જુવાર, એરડા, ગુવાર સહિતનું વાવેતર કરવામાં આવ્યું છે.

સચરાચર વરસાદ ન થવાના કારણે સીમ તળાવના તળાવ,જળાશયોમાં કોઈ નોંધપાત્ર પાણીની આવક નહીંવત થતા ઢોરોને થોડા સમય બાદ પીવાના પાણીની મુશ્કેલી થશે જો કે, ગુલાબ વાવાઝોડાના પગલે મેઘ મહેરની પણ શક્યતા અનુભવીઓ દર્શાવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ કચ્છમાં વાવાઝોડાની અસરથી વરસાદની આગાહી છે ત્યારે કચ્છના નાની સિંચાઈના ૬૦ જેટલા ડેમો નવા નીરથી ભરાય એવી આશા સેવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *