વાવાઝોડાનો ભયઃ કંડલા બંદરે ત્રણ નંબરનું સિગ્નલ માછીમારો ૩૬૨ બોટ સાથે જખૌ પરત, તંત્ર એલર્ટ

Contact News Publisher

લો પ્રેસર સૌરાષ્ટ્ર મધ્યેથી પસાર થઈને કચ્છમાં થઈને દરિયામાં પહોંચશે તે સાથે જ તેની તાકાત ઘણી વધી જશે અને તે ક્રમશઃ વેલમાર્ક્ડ લોપ્રેસર,ડીપ્રેસન બાદ વાવાઝોડામાં ફેરવાય તેવી પૂરી શક્યતા છે.

વાવાઝોડાના પગલે ૪પ થી પપ કિ.મી. પ્રતિ કલાકથી વધતાં ૬પ કિ.મી. પ્રતિ કલાકની ઝડપ સુધી ભારે પવન ફુંકાશે. કચ્છના દરિયા કિનારા પર પ્રવાસન તેમજ મનોરંજન પ્રવૃતિઓ પર પ્રતિબંધ લગાવાયો છે જેના ભાગરૂપે બીચ ઉપર બોટીંગ, ફીશીંગ પ્રવૃતિ કરી શકાશે નહિં. વાવાઝોડાની આગાહીના પગલે આજે કંડલા બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ હતુ. તો જખૌ દરિયા કિનારે ૩૬૨ બોટ પરત ફરી હતી.

અરબી સમુદ્રમાં લો પ્રેસર એરીયા દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાત ઉપર સર્જાયેલ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં ભારે પવન સાથે ભારે વરસાદની પરિસ્થિતિ આગામી ૨૪ કલાક દરમિયાન સર્જાયેલ છે. જેના કારણે દરિયાઈ વિસ્તારમાં ૪પ થી પપ કિ.મી. પ્રતિ કલાકથી વધતાં ૬પ કિ.મી. પ્રતિ કલાકની ઝડપ સુધી ભારે પવન ફુકાવાની સંભાવના રહેલ છે. આ આગાહી ધ્યાને રાખી દરિયા કિનારાના જિલ્લાઓને એલર્ટ કરાયા છે. કચ્છ જિલ્લાના દરિયા કિનારા પર પ્રવાસન અને મનોરંજન પ્રવૃત્તિઓ પર તાકિદની રીતે પ્રતિબંધ મુકવા જણાવાયું છે. દરિયા કિનારે આવેલ પ્રવાસન સ્થળો પર તથા નજીકના તમામ રોડ રસ્તાઓ ઉપર બીચ જેવી પ્રવાસન જગ્યાઓ પર પ્રવાસીઓ/પર્યટકો ન જવા તેમજ જિલ્લામાં આવેલ તમામ બંદરો, માછીમારી સ્થળો તથા બીચ પર બોટીંગ, ફીશીંગ જેવી પ્રવૃત્તિ પર આગામી તા.૦૧/૧૦/૨૦૨૧ સુધી પ્રતિબંધ ફરમાવેલ છે તેવું જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

બીજીતરફ ખંભાત અને મધ્ય ગુજરાત સાથે જોડાયેલા વિસ્તારમાં વેલમાર્ક લો પ્રેશર છે, સિસ્ટમ અરબી સમુદ્રમાં આજે પ્રવેશ કર્યા બાદ વાવાઝોડુ શાહીનમાં પ્રવેશ કરશે. આજે કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવતા દિનદયાળ પોર્ટ પર સાવચેતીના ભાગરૂપે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે.

કચ્છના દરિયાઈ કાંઠા વિસ્તારો પર સાવધાનીના સંકેત આપી દેવામાં આવ્યા છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્રે સર્તકતાના સુચનો કર્યા છે. માછીમારીને દરિયો ન ખેડવાની સુચના આપી દેવાઈ છે. જખૌ ના દરિયામાં માછીમારી માટે ગયેલી બોટોને પરત બોલાવાઈ છે. ૩૬ર જેટલી બોટ પરત આવી ગઈ છે. હજુ પણ દરિયામાં રહેલી ર૦૦ બોટ ગુરૂવારની સવાર સુધીમાં પરત આવી જશે. અગમચેતનીના ભાગરૂપે તંત્ર દ્વારા બોટો પરત બોલાવાઇ છે.

નોંધપાત્ર બાબત એ છે કે વાવાઝોડુ હોય કે લોપ્રેસર,ડીપ્રેસન તે દરિયામાં આવે ત્યારે વધુ તાકાતવાળુ થતું હોય છે. ગુજરાતમાં ખંભાતના અખાત પછી લો પ્રેસર થોડુ નબળુ પડશે ત્યાં કચ્છના દરિયામાં તેને ફરી તાકાત મળશે. આમ, ગુજરાતના બે કાંઠા પર આવેલા દરિયાથી આ સીસ્ટમ શક્તિશાળી બની રહી છે.

ગત રાત્રે સુરત-વડોદરા વચ્ચેથી આ સીસ્ટમ આજે બપોરે ભાવનગર પાસે,સાંજે સુરેન્દ્રનગર,ચોટીલા પાસે અને મોરબી, જામનગર પાસેથી થઈને તે ગાંધીધામ-માંડવી વચ્ચે કચ્છના કાંઠાળ વિસ્તારોમાં જઈને નલિયા પાસે કાલે સવારે દરિયામાં પ્રવેશે અને તે સાથે તેની તાકાત વાધતા વધતા તે ફરી વાવાઝોડાનું રૌદ્રરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. જો કે તેની અસર ગુજરાતમાં નહીં થાય. તે પાકિસ્તાન કે ઓમાન તરફ આગળ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *