લગ્નસરા પર કોરોનાનું ગ્રહણ : માર્ગદર્શિકાને લઈને આયોજકોની મૂંઝવણમાં વધારો

Contact News Publisher

કોરોનાએ ફરી એકવાર લગ્ન સહિતના અન્ય શુભ પ્રસંગોના આયોજન પર ગ્રહણ ઊભું કરતાં કમુરતા ઉતરવા છતાં લગ્નસરાની સિઝન જામે તેવા કોઈ એંધાણ વર્તાતા નથી. કોરોનાના પગલે જિલ્લામાં સેંકડોની સંખ્યામાં લગ્નોને મોકૂફ રાખી દેવાયા છે. તો અનેક પરિવારોએ જમણવાર, દાંડિયારાસ, સંગીત સંધ્યા જેવા કાર્યક્રમો રદ્દ કરી સાદાઈથી લગ્નો આટોપવાની તૈયારીઓ આદરી દીધી છે. સરકાર દ્વારા પ્રસંગમાં કેટલા લોકો હાજર રહે તેની ગાઈડલાઈનમાં ખૂબ ટૂંકાગાળામાં બદલાવ કર્યો છે. તો આ માર્ગદર્શિકા પણ ટૂંકા સમયગાળા માટે જાહેર કરાતી હોવાથી આયોજકોની મૂંઝવણમાં વધારો થવા સાથે વ્યવસાયકર્તાઓની હાલત કફોડી બની છે.

 

જાન્યુઆરી માસમાં યોજાનારા મહત્તમ લગ્નો મોકૂફ રાખી પાછા ઠેલી દેવાયા છે. તો ફેબ્રુઆરીમાં વસંતપંચમી આસપાસ યોજાનારા લગ્નો યોજાશે કે કેમ તેનો સઘળો આધાર સરકારની ગાઈડલાઈન પર અવલંબિત રહ્યો છે. દરમિયાન કેટલાક સમાજના યોજાનારા સમૂહલગ્નો પણ વર્તમાન સ્થિતિ જોતાં રદ્દ કરવાનો સમાજના અગ્રણીઓ દ્વારા નિર્ણય લેવાયો છે.
પાર્ટીપ્લોટ, રિસોર્ટના બદલે નાની વાડીઓ લેવા દોડધામ : કોરોનાનું સંક્રમણ હળવું બનતાં અનેક પરિવારોએ પાર્ટીપ્લોટ, રિસોર્ટ બૂક કરાવી લગ્નોત્સવની ઉજવણી ઝાકમઝોળભર્યા માહોલમાં કરવાની તૈયારીઓ આદરી હતી. જોકે કેસમાં ઉછાળો આવતાં સરકારે લગ્નોમાં 400ના 1પ0 લોકોની ઉપસ્થિતિની છૂટ આપતાં અનેક પરિવારોએ પાર્ટીપ્લોટ રિસોર્ટના બદલે નાની વાડીઓ, બેન્કવેટ હોલ મેળવવા છેલ્લી ઘડીની દોડધામમાં પડયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *