કચ્છમાં આરોગ્ય વિભાગ ઊંઘતો ઝડપાયો : પેઇડ પ્રિકોશન ડોઝ માટે કોઈ સેન્ટર જ નહિ!

Contact News Publisher

અત્યારસુધી કોરોનાની રસી સરકારી કેન્દ્રો પર નિઃશુલ્ક આપવામાં આવતી હતી પણ સરકારે બુસ્ટર ડોઝ નિઃશુલ્ક આપવાના બદલે તેને પેઇડ બનાવી દીધું છે,જેથી 18 વર્ષથી મોટી ઉંમરના અને જેને બીજો ડોઝ મુકાવ્યાના 9 મહિના થઇ ગયા છે તેવા લોકો બુસ્ટર ડોઝ તો લઈ શકશે પણ તેના માટે રૂપિયા ખર્ચવા પડશે.રવિવારથી પેઇડ રસીકરણ શરૂ થઈ ગયું છે પણ મહત્વનું બાબત એ છે કે,કચ્છમાં આરોગ્ય વિભાગ આ બાબતે ઊંઘતું ઝડપાયુ છે.

કારણ કે ઘણા જાગૃત યુવાનોને બુસ્ટર ડોઝ લેવા માટે કોવિન પોર્ટલ મારફતે મેસેજ આવ્યા હતા જેથી તેઓએ ઓનલાઇન કોવિન પોર્ટલમાં ચકાસતા એકપણ પેઇડ રસીકરણ સેન્ટર જોવા મળ્યું ન હતું.આ બાબતે ભાસ્કરે જિલ્લા રસીકરણ અધિકારી ડો.પ્રેમકુમાર કન્નરને પૂછતા તેમણે આદિપુરમાં ડીવાઈન લાઈફ હોસ્પિટલ અને મુન્દ્રામાં અદાણી હોસ્પિટલમાં પેઇડ બુસ્ટર ડોઝની કામગીરી ચાલુમાં હોવાનું કહ્યું હતું. અલબત્ત ભાસ્કરે બંને હોસ્પિટલમાં ક્રોસ તપાસ કરતા ત્યાં રૂપિયા ખર્ચીને બુસ્ટર ડોઝની કામગીરી બંધ હોવાનું અને મંજૂરી ન મળી હોવાનું જવાબદાર સત્તાધીશો તરફથી જાણવા મળ્યું હતું.જેથી જવાબદારીની ફેંકાફેકમાં રૂપિયા ખર્ચીને પણ બીજા દિવસે બુસ્ટર ડોઝ મળી શક્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે,18 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવાના અભિયાનનો 10 એપ્રિલથી ખાનગી હોસ્પિટલોમાં પ્રારંભ થયો છે.બુસ્ટર ડોઝ લેવા ઇચ્છુક વ્યક્તિ ખાનગી કેન્દ્રો પર રસીના સરકારે નિયત કરેલા રૂ.225 અને સર્વિસ ચાર્જ મહત્તમ રૂ.150 ચૂકવીને પ્રિકોસન ડોઝ લઈ શકશે.બીજો ડોઝ મુકાવ્યાના 9 મહિના પછી જ બુસ્ટર ડોઝ લઈ શકાય છે.કોવિડના બૂસ્ટર ડોઝ માટે નવી નોંધણી કરાવવાની જરૂર નથી. જે લોકોએ બંને ડોઝ લીધા છે તેઓ પહેલેથી જ કોવિન પ્લેટફોર્મ પર નોંધાયેલા છે. બૂસ્ટર ડોઝ માટે સ્લોટ બુક કરી શકાય છે અથવા રસી મેળવવા માટે સીધા ખાનગી કોવિડ રસીકરણ કેન્દ્ર પર જઈ શકાય છે પણ કચ્છમાં આ બાબતે કોઈ વ્યવસ્થા ન હોવાથી જાગૃત લોકો ધક્કે ચડી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *