લખપત તાલુકાના 28 ગામમાં પાણીની કટોકટી, આજથી આંશિક ઘટાડાની વકી

Contact News Publisher

છેવાડાના લખપત તાલુકામાં ઉનાળાના મધ્યાહને જ પાણીની બુમરાડ મચી જતા પાણી પુરવઠા વિભાગ હરકતમાં આવી ગયું છે અને તાબડતોબ નવા 4 બોર બનાવવાનું કામ શરૂ કરવા સાથે નર્મદાનું પાણી અહીંની જીવાદોરી સમાન ગોધાતડ ડેમના સંપમાં ઠાલવવાનું શરૂ કરવામાં આવતા જળકટોકટીમાં લોકોને રાહત મળશે.આ અંગેની વિગતો મુજબ સરહદી લખપત તાલુકામાં પાણી માટે કોઈ કાયમી સ્ત્રોત નથી. અહીંના લોકો અને પશુધન પાણી માટે નર્મદા અને વરસાદ પર આધારિત છે.

ગત વર્ષે આવેલા વરસાદના કારણે ગોધાતડ ડેમ ભરાઈ જતા શિયાળો અને ઉનાળામાં માર્ચ મહિનો નીકળી ગયો પણ એપ્રિલમાં ભયંકર જળ કટોકટી સર્જાવા લાગી હતી. આ વિસ્તારના સરહદી ગામડાઓ અને વાંઢમાં એક એક બુંદ પાણી માટે લોકો વલખા મારે તેવી પરિસ્થિતિ ઉભી થઇ જતા આગ લાગે ત્યારે કૂવો ખોદવામાં આવે તેવી પરિસ્થિતિ સર્જાવા પામી હતી.જેના પગલે આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી જેથી પાણી પુરવઠા વિભાગે અહીં તાબડતોબ કામગીરી કરીને લોકોને પીવાનું પાણી પહોંચાડવા માટે ત્રિવિધ વ્યવસ્થા કરી છે.

પાણી પુરવઠા વિભાગ દયાપરના ડેપ્યુટી ઈજનેર પ્રભાકરભાઈએ જણાવ્યું કે,પાણીના સ્ત્રોત તરીકે નવા બે બોર કૈયારી અને બે બોર પીપરી પાસે બનાવવામાં આવી રહ્યા છે.બોરમાંથી પાણી ખેંચવા માટે ઇલેક્ટ્રિસીટીની જરૂરિયાત હોવાથી પીજીવીસીએલમાં પણ આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી છે તો ખીરસરા સંપમાંથી વાયા ઝુમારા થઈને નર્મદા પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને જે સફળ રહેતા બુધવાર સાંજથી 40 લાખ લીટરની ક્ષમતા ધરાવતા ગોધાતડ ડેમના સંપમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે દરમ્યાન ગોધાતડ ડેમની અંદર પાણીનો જથ્થો બચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *